Satya Tv News

રાજ્યમાં લોકસભા ચૂંટણી પહેલા જ રાજકિય ઉથલપાથલ થઇ રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાદ હવે BTPને ઝટકો લાગ્યો છે. દાહોદ BTP જિલ્લા પ્રમુખ દેવેન્દ્ર મેડાએ રાજીનામું આપ્યું છે. તેઓએ મહેશ વસાવાએ ભાજપમાં જોડાઈને વિશ્વાસઘાત કર્યો હોવાના આક્ષેપ સાથે રાજીનામું આપ્યું છે.

દાહોદમાં લોકસભા ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયું છે. BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાતા જિલ્લા પ્રમુખ દેવેન્દ્ર મેડાએ રાજીનામુ આપ્યું છે. સમાજ સાથે મહેશ વસાવાએ વિશ્વાસઘાત કર્યો હોવાનો દેવેન્દ્ર મેડાએ આક્ષેપ કર્યો છે. દેવેન્દ્ર મેડાએ આજે છોટુ વસાવાને રાજીનામું મોકલ્યું છે. BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાતા તેઓ નારાજ થયા છે. નોધનીય છે કે અગાઉ દાહોદના BTP જિલ્લા યુવા મોરચાના પ્રમુખ પણ રાજીનામું આપી ચુક્યા છે. મનસુખ ભીલ કટારા અગાઉ ચૂંટણી લડી ચૂક્યા છે. તેઓ 2022માં ઝાલોદથી BTPના ઉમેદવાર હતા.

રાજ્યમાં ભાજપ 26 લોકસભા બેઠકો જીતવા માગે છે જેને લઇને બૂથ લેવલથી લઇને સંગઠનને મજબૂત કર્યું છે. જ્યારે સામે પક્ષે કોંગ્રેસ, આપ અને બીટીપી જેવી હરીફ પાર્ટીઓ ચૂંટણી સમયે જ તુટી રહી છે. જેનો ફાયદો આ વખતે બીજેપીને થઇ શકે છે. દાહોદ વિસ્તારમાં આદિવાસી વોટબેંકનું પ્રભુત્વ છે. અને બીટીપી પક્ષની અહી મજબુત વોટબેંક હતી. પરંતુ મહેશ વસાવા ભાજપમાં જોડાતા નારાજગી જોવા મળી છે ત્યારે આગામી સમયમાં નવા સમીકરણો જોવા મળી શકે છે. આપને જણાવીએ કે, મહેશ વસાવાએ કેટલાક અગ્રણીઓ સાથે સી આર પાટીલ સાથે મુલાકાત કરી હતી. ત્યારથી જ તેઓ બીજેપીનો ખેસ ધારણ કરશે તેવી ધારણા હતી. મહેશ વસાવાએ કહ્યું હતુ કે, આ નિર્ણયમાં મારા પિતા મારી સાથે છે.

લોકસભાની ચૂંટણી લઈ ભાજપએ ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી ઉમેદવાર ચૈતર વસાવા સામે મજબૂત ટક્કર લેવા માટે રાજકીય ચોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે. જેનો માસ્ટર સ્ટોક પ્રથમ મહેશ વસાવાને ભાજપમાં લઈ જવાનો કહી શકાય. અત્રે જણાવીએ કે, ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે. ત્યારે એક ડેડિપાડા બેઠક પર આપનો પ્રભાવ છે અને જ્યાં ટક્કર લેવા માટે મહેશ વસાવાને ભાજપમાં ભેળવી દેવાયા છે.

દક્ષિણ ગુજરાતના ડાંગથી ઉત્તર ગુજરાતના દાંતા સુધીના બેલ્ટમાં આદિવાસીઓની એક કરોડ જેવી વસ્તી છે. ચૂંટણીમાં આદિવાસી મતદારો નિર્ણાયક સાબિત થાય છે. દેડિયાપાડા વિધાનસભા બેઠક 2017માં BTPના ઉમેદવાર એટલે કે મહેશ વસાવા જીત્યા હતા. મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટીના મોતીલાલ વસાવાને 21,751 મતોથી મ્હાત આપી હતી.

error: