Satya Tv News

ભરૂચથી નાના વરાછા ખાતે મરણ પ્રસંગમાં હાજરી આપવા આવેલા અને ગુરુવારે ઘરે પરત જવા વહેલી સવારે બાઈક લઈ નીકળેલા પતિ-પત્ની અને પુત્રના રહસ્યમય સંજોગોમાં કેનાલમાંથી ડૂબી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. માતા-પુત્રનો મૃતદેહ વરિયાવ કણાદ નજીક કેનાલમાંથી તેમજ પિતાનો મૃતદેહ ઓલપાડ નજીક કેનાલમાંથી મળી આવ્યો હતો. આ ત્રણે કેનાલમાં કેવી રીતે ડૂબ્યા, અકસ્માતે ડૂબ્યા કે પછી સામૂહીક આપઘાતનું હાલ રહસ્ય ઘેરાયું છે.

ભરૂચ બાયપાસ રોડના જિનત બંગલોમાં ખાતે રહેતા વસીમભાઈ મયુદ્દીન પટેલ(36) મોબાઈલની દુકાન ચલાવતા હતા. તેઓ બે દિવસ પહેલા નાના વરાછા ખાતે સંબંધીનું અવસાન થતા મરણ પ્રસંગમાં હાજરી આપવા તેમની પત્ની ખુરશીદા(24) અને પુત્ર મુઈઝ(2.5 વર્ષ)ને સાથે લઈ આવ્યા હતા. બાદ કોસાડમાં સાળીને ત્યાં બે દિવસ રોકાયા બાદ ગુરૂવારે વહેલી સવારે ત્રણેય બાઈક પર ભરૂચ પરત જવા નીકળ્યા હતા. બાદ 6.30 કલાકે વરિયાવ કણાદ જતા રોડ પર કેનાલમાંથી ખુરશીદા અને મુઈઝનો મૃતદેહ મળી આવ્યો હતો.

જહાંગીરપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ફાયરબ્રિગેડની મદદથી બન્નેના મૃતદેહ બહાર કાઢી તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં બન્નેની ઓળખ થઈ ન હતી. જેથી પોલીસે ઓળખના પ્રયાસો શરૂ કર્યા હતા. સાંજે 5 કલાકે ઓલપાડ સોંસક ગામની સીમમાં નહેરમાંથી વસીમનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, ત્રણે નહેરમાં કેવી રીતે પડ્યા તે પોલીસ જાણી શકી ન હતી. વસીમ અને તેનો પરિવાર અકસ્માતે નહેરમાં પડ્યો કે પછી ત્રણેએ સામુહીક આપઘાત કર્યો તે અંગે હાલ રહસ્ય ઘેરાયું છે.

ભરૂચથી સુરત આવેલા ખુરશીદા અને માસુમ મુઈઝના મૃતદેહનું સુરત સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં બન્નેનું મોત પાણીમાં ડૂબી જવાથી થયું હોવાનું સામે આવ્યું છે. પોસ્ટમોર્ટમમાં ખુરશીદા ચાર મહિનાથી ગર્ભવતી હોવાનું પણ સામે આવ્યું છે. વસીમ પરિવાર સાથે બાઈક પર ભરૂચ જવા માટે નીકળ્યો હતો. જોકે, તેની બાઈક હજી સુધી મળી આવી નથી. જેથી પોલીસે બાઈકની શોધખોળ હાથ ધરવાની સાથે પરિવારની પુછપરછ હાથ ધરી છે.

ઓલપાડ પાસે વસીમનો મૃતદેહ મળ્યા બાદ આધારકાર્ડ પરથી ઓળખ થઈ હતી. પોલીસે પરિવારનો સંપર્ક કરતા પત્ની અને પુત્ર પણ સાથે હોવાની જાણ થઈ હતી. સોશ્યિલ મીડિયા પર ફરતા પત્ની અને પુત્રના ફોટો પરિવારને પોલીસે મોકલ્યા બાદ ત્રણેયની ઓળખ થઈ હતી

error: