મુંબઇ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની સિનિયર સિટિઝન માટેની એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં અગ્ર ક્રમ પ્રાપ્ત કરી જિલ્લાનું નામ રોશન કર્યું
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પિપદરા ગામે રહેતા અને હાલ નિવૃત્તિ સાથે ખેતીની પ્રવૃત્તિ કરતા એક વૃધ્ધ નાગરીકે મુ્બઇ ખાતે યોજાયેલ સિનિયર સિટિઝન માટેની એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લઇ વિવિધ સ્પર્ધાઓમાં અગ્ર ક્રમ મેળવીને ઝઘડિયા તાલુકા સહિત સમગ્ર ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું હતું. આ અંગે મળતી વિગતો મુજબ ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના પિપદરા ગામના ભૂલાભાઈ માથુરભાઈ વસાવા ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગમાં ફરજ બજાવતા હતા. તેઓ ફરજમાંથી નિવૃતિ બાદ જીવનની પાછલી સંધ્યાએ આરામમય જીવન જીવવાને બદલે પોતાના વંશ પરંપરાગત વ્યવસાય ખેતીમાં પ્રવૃત્ત રહીને શ્રમ વાળું કામ કરીને શારીરિક તંદુરસ્તી જાળવી રાખી છે. હાલમાં તા. ૨૬-૦૪-૨૪ ના રોજ મુંબઈ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની સિનિયર સિટિઝન માટેની ૪૩ મી ઇન્ડિયન માસ્ટર્સ એથલેટિક્સ સ્પર્ધામાં ભૂલાભાઇ વસાવાએ ભાગ લઇને વિવિધ સ્પર્ધાઓ પૈકી ૩ કી.મી. ચાલ, એક કિલોમીટર દોડ, ૮૦૦ મીટર દોડ તેમજ લાંબા કુદકા જેવી સ્પર્ધાઓમાં એકથી તૃતીય ક્રમ જેવા સ્થાન મેળવીને ઝઘડિયા તાલુકા સહિત સમગ્ર ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું હતું. આ અગાઉ તેઓએ ચાલું સાલે ભરૂચ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની અને મહેસાણા ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લઈને વિજેતા બનીને મુંબઈ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો.
વિડિઓ જર્નલિસ્ટ પ્રકાશ ચૌહાણ સત્યા ટીવી ઝઘડિયા