વિશ્વ યોગ દિવસની ઉજવણી સંદર્ભે પંચમહાલ કલેક્ટર આશિષ કુમારે યોજી પત્રકાર પરિષદ ૨૧મી જૂને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરાશે.
પંચમહાલ જિલ્લા તંત્ર દ્વારા આગામી ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષા ઉપરાંત તમામ તાલુકા કક્ષાની ઉજવણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ સંદર્ભે કરવામાં આવેલા આયોજન અંગેની વિગતો પત્રકારો સમક્ષ મૂકતા પંચમહાલ કલેક્ટર આશિષ કુમારે જણાવ્યું હતું કે, જિલ્લા કક્ષાની ઉજવણી ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. તદુપરાંત આઈકોનિક સ્થળ પાવાગઢ ખાતે પણ યોગના કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં સાત સ્થળોએ તાલુકા/નગર પાલિકા કક્ષાનો સંયુક્ત કાર્યક્રમ યોજાશે. સાથે સાથે જિલ્લાના દરેક મહત્વના તેમજ હેરિટેજ સ્થળો ઉપરાંત ગ્રામ્ય, શાળા- કોલેજો અને અન્ય સંસ્થાઓ ખાતે બહોળી સંખ્યામાં યોગ સાધકો ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ પર યોગાભ્યાસ કરશે. તેમજ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં બે હજારથી વધારે લોકો જોડાશે. આ બાબતે સમાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, યોગ સાથે જોડાયેલી સંસ્થાઓ, એન.જી.ઓ., ઉપરાંત અગ્રણીઓ સાથે સફળ બેઠકો યોજવામાં આવી હતી. તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાની સમિતિઓની રચના અને કાર્યક્રમની આનુષંગિક વ્યવસ્થાઓ પૂર્ણ થઈ ગઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. અને વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જિલ્લાના વધુમાં વધુ નાગરિકોને યોગાભ્યાસમાં જોડાઈને આ કાર્યક્રમને લોકભાગીદારીનો કાર્યક્રમ બનાવવા કલેક્ટર એ અનુરોધ કર્યો છે.