દક્ષિણ ગુજરાતમાં વરસાદથી પાપડી, વટાણા, ભીંડા સહિતની શાકભાજીની વાડીઓમાં પાણી ભરાતા ભારે નુક્સાન થયું છે. દક્ષિણ ગુજરાતની જેમ જ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો મહત્તમ ભાગ માવઠાનો શિકાર બનતા તુવેર, ગુવાર, ટામેટાના છોડ અને દૂધી, કાકડીના વેલાઓને ભારે નુક્સાન થયું છે. સ્વાભાવિક રીતે આ નુકસાનની અસર બજારોમાં પણ જોવા મળવા લાગી છે. રાજ્યમાં પાકતા શાકભાજીના ભાવમાં ૪૦થી ૫૦ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે શાકભાજીમાં જીવાત પડવાની શક્યતા રહેલી છે અને નાના છોડ અને વેલાઓ કોહવાઇ જાય તેવી શક્યતા રહેલી છે. અને નવો માલ બજારમાં ન આવતા શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો.. અમદાવાદના APMC માર્કેટમાં જો આજના શાકભાજીના ભાવ પર નજર કરીએ.
અમદાવાદના શાકભાજી માર્કેટના વેપારીઓએ જણાવ્યુ હતુ કે, ગત અઠવાડિયાની સરખામણીમાં આજે રીંગણ, ફૂલાવર, વાલોર, ટામેટા, ચોળી, દૂધી, વટાણા વગેરેના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત કાકડી, ગુવાર, સરગવો, પરવર, ટીંડોળા, તુરિયા, ગલકા, રવૈયા વગેરેના ભાવમાં પણ વાધારો જોવા મળ્યો છે.વરસાદના કારણે બજારમાં માલ ન આવતો હોવાના કારણે ભાવમાં વધારો થયો છે.