કેજરીવાલની દિલ્હી સરકારે કહ્યુ હતું કે, લેફ્ટનન્ટ ગવર્નર (LG) વીકે સક્સેનાએ રાજ્ય કેબિનેટની સલાહ લીધા વિના દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) માં 10 એલ્ડરમેનો (નોમિનેટેડ કાઉન્સિલરો) ની નિમણૂક કરી હતી. જોકે હવે આજે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને દિલ્હી સરકારની મદદ અને સલાહ વિના દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એલ્ડરમેન (નોમિનેટેડ કાઉન્સિલર)ને નોમિનેટ કરવાની સત્તા છે. કોર્ટે કહ્યું કે, આ સત્તા દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (DMC) એક્ટ 1993 હેઠળ એક વૈધાનિક સત્તા છે અને તેથી રાજ્યપાલે દિલ્હી સરકારની સહાય અને સલાહ પર કાર્ય કરવાની જરૂર નથી. કારણ કે આ એક વૈધાનિક સત્તા હતી અને એક્ઝિક્યુટિવ સત્તા ન હતી તેથી LG પાસે દિલ્હી સરકારની સહાય અને સલાહ પર નહીં પણ વૈધાનિક આદેશો અનુસાર કાર્ય કરવાની અપેક્ષા હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બંધારણીય બેંચના નિર્ણયને ધ્યાનમાં રાખીને DMC એક્ટની કલમ 3(3)(b)(i) માં જોગવાઈ છે કે, LG MCD માટે વિશેષ જ્ઞાન ધરાવતા 10 લોકોને નોમિનેટ કરશે. પ્રશ્ન એ છે કે, શું તેઓ મંત્રી પરિષદની સહાય અને સલાહથી બંધાયેલા છે? અગાઉ એવું માનવામાં આવતું હતું કે જો સંસદ લિસ્ટ 2 અને 3 માં વિષયના સંદર્ભમાં કાયદો બનાવે છે તો GNCTDની કાર્યકારી સત્તા મર્યાદિત હશે. આ સંદર્ભે અમે NCT એક્ટના અવકાશ સાથે વ્યવહાર કરીશું.