કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર સાથે રેપ અને મર્ડરના મામલાએ જોર પકડ્યું છે. ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને ન્યાય અને સુરક્ષાની માંગણી સાથે આજે હડતાળનું એલાન આપ્યું છે. આ સાથે સંગઠને પાંચ મુદ્દાની માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દત સુધી કામકાજનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપી છે. કોલકાતામાં છેલ્લા ત્રણ દિવસથી હોબાળો ચાલી રહ્યો છે. જુનિયર ડોકટરો સતત વિરોધ કરી રહ્યા છે અને કામનો બહિષ્કાર કરી રહ્યા છે. જેના કારણે રાજ્યનું આરોગ્ય તંત્ર પણ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. જો કે પોલીસે આ કેસમાં એક નાગરિક સ્વયંસેવકની ધરપકડ કરી છે, પરંતુ આંદોલનકારીઓ કાર્યવાહી અને સુરક્ષાની માગ સાથે આંદોલન પર અડગ છે.
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ચોથા માળના સેમિનાર હોલમાં શુક્રવારે સવારે ફરજ પરના એક જુનિયર ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે જુનિયર ડોક્ટર પર રેપ અને હત્યા કરવામાં આવી હતી. ડોક્ટરના મોતની ઘટનાથી સમગ્ર મેડિકલ કોલેજમાં ખળભળાટ મચી ગયો હતો. કોલકાતા પોલીસે તપાસ માટે SIT ની રચના કરી અને એક નાગરિક સ્વયંસેવક સંજય રોયની ધરપકડ કરી છે.
પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું કે, તેણે જુનિયર ડોક્ટરની હત્યા કરી છે. તેની હત્યા કરતા પહેલા તેણે દારૂ પીધો હતો અને પછી સેમિનાર હોલમાં સૂઈ રહેલા જુનિયર ડોક્ટર પર બળજબરી કરીને તેની હત્યા કરી હતી. જે બાદ તે ઘરે પહોંચ્યો હતો અને પછી ફરીથી દારૂ પીધો હતો અને પોર્ન ફિલ્મો જોતો હતો. બાદમાં પોલીસે હેડફોનના ટુકડા અને CCTV ફૂટેજના આધારે તેની ધરપકડ કરી હતી. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને 14 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો હતો.