સુપ્રીમ કોર્ટે જેલમાં જાતિના આધાર પર ભેદભાવને લઇને દાખલ કરવામાં આવેલી એક જનહિત અરજી પર ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જેલમાં કોઇ પણણ કેદી સાથે તેની જાતિના આધાર પર ભેદભાવ કરી શકાતો નથી. કોર્ટે કહ્યું કે જેલમાં રસોઇ અને સફાઇના કામને જાતિના આધાર પર વહેંચવું ખોટું છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે સફાઇનું કામ માત્ર નીચલી જાતિના કેદીઓને આપવું અને ભોજન બનાવવાનું કામ ઊંચી જાતિને આપવું આર્ટિકલ 15નું ઉલ્લંઘન છે. કોર્ટે તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જેલ મેન્યુઅલમાં બદલાવ કરવાના આદેશ આપ્યા છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંધારણ તમામ જાતિઓને સમાન અધિકાર આપે છે. જો જેલમાં જ આનું ઉલ્લંઘન થશે તો તે પરસ્પર દુશ્મનાવટ પેદા કરશે. જેલોમાં બનાવેલ આ નિયમ નાબૂદ થવો જોઈએ. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે જેલ મેન્યુઅલમાં કેદીઓની જાતિ સંબંધિત વિગતો જેવા સંદર્ભો ગેરબંધારણીય છે. આ સાથે દોષિત કે અન્ડરટ્રાયલ કેદીઓના રજિસ્ટરમાંથી જાતિ કોલમ હટાવી દેવી જોઈએ. સુપ્રીમ કોર્ટે જેલોમાં જાતિ આધારીત ભેદભાવના મુદ્દા પર સુઓમોટો સંજ્ઞાન લીધું હતું. તમામ રાજ્યોને આ નિર્ણયના પાલનનો રિપોર્ટ સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે.