Satya Tv News

ડોનાલ્ડ ટ્રમ્પે બહુમત મેળવ્યો છે. અત્યાર સુધીના ટ્રેન્ડમાં ટ્રમ્પના ફાળે 277 ઈલેક્ટોરલ મત મેળવવાનું અનુમાન છે. ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે તો તેની અસર ભારત પર પણ પડશે તે નિશ્ચિત છે. અત્રે જણાવવાનું કે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. દિવાળીના તહેવાર પર ટ્રમ્પે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર એક પોસ્ટ શેર કરીને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાના મિત્ર ગણાવ્યા હતા. જ્યારે તેમની સરકાર સત્તામાં આવશે ત્યારે તેમણે બંને દેશો વચ્ચેની ભાગીદારીને વધુ આગળ વધારવાનું વચન પણ આપ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પની આગેવાની હેઠળનું વહીવટીતંત્ર સ્પષ્ટપણે અમેરિકા-કેન્દ્રિત વેપાર નીતિઓ પર ફોકસ કરશે. તે ભારત પર વેપાર અવરોધો ઘટાડવા અને ટેરિફનો સામનો કરવા માટે દબાણ પણ બનાવશે. આવી સ્થિતિમાં ભારતની આઈટી, ફાર્માસ્યુટિકલ્સ અને ટેક્સટાઈલ સેક્ટરની નિકાસને મોટા પાયે અસર થઈ શકે છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં ટ્રમ્પે આયાત ડ્યૂટીના મામલે ભારત માટે આંચકાજનક નિવેદન આપીને દુરુપયોગ કરનાર ગણાવ્યું હતું. તેમ છતાં તેમણે પીએમ મોદીના ભરપેટ વખાણ કર્યા અને તેમને અદ્ભુત વ્યક્તિ ગણાવ્યા હતા. મિશિગનના ફ્લિન્ટમાં એક ટાઉન હોલમાં વેપાર અને ટેરિફ પર ચર્ચા કરતી વખતે ટ્રમ્પે કહ્યું હતું કે ભારત આ મામલે મોટો દુરુપયોગ કરનાર દેશ છે. આ લોકો સૌથી હોશિયાર લોકો છે. તેઓ પછાત નથી, આયાતની બાબતમાં ભારત ટોચ પર છે, જેનો ઉપયોગ તે આપણી સામે કરે છે.

ભારત માટે એક ચિંતાજનક મુદ્દો છે તે એ છે કે ઇમિગ્રેશન અંગે ટ્રમ્પની પ્રતિબંધિત નીતિઓ ખાસ કરીને H-1B વિઝા પ્રોગ્રામની યુએસમાં ભારતીય વ્યાવસાયિકો પર ભારે અસર પડી છે. આવી નીતિઓ પાછી ખેંચી લેવાથી ભારતીયો માટે યુએસ જોબ માર્કેટમાં નોકરી મેળવવી થોડી મુશ્કેલ બની જશે. ઉપરાંત, કોઈપણ ક્ષેત્ર કે જે ભારતીય કામદારો પર વધુ નિર્ભર છે તેને અસર થઈ શકે છે. આ સિવાય, કડક ઇમિગ્રેશન કાયદા ભારતીય ટેક કંપનીઓને અન્ય બજારો શોધવા અથવા સ્થાનિક બજારમાં વધુ તકો ઊભી કરવા માટે પ્રેરિત પણ કરી શકે છે.

દક્ષિણ એશિયામાં ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ ભારતના ક્ષેત્રીય હિતોને પણ અસર કરી શકે છે. વાત જાણે એમ છે કે હાલમાં ટ્રમ્પે પાકિસ્તાન સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ સંતુલિત અભિગમ અપનાવીને તેમણે આતંકવાદ વિરોધી પ્રયાસોમાં જવાબદારી પર ભાર મૂક્યો છે. જો કે, ટ્રમ્પના ‘શક્તિ દ્વારા શાંતિ’ મંત્રને કારણે, અમેરિકા આતંકવાદ અને ઉગ્રવાદ પર કડક વલણ અપનાવી શકે છે, જે ભારતના પક્ષમાં કામ કરી શકે તેમ છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ગત કાર્યકાળ દરમિયાન પાકિસ્તાનને મળતી સૈન્ય મદદમાં પણ ઘટાડો કર્યો હતો.

error: