વડોદરાના સમાં-સાવલી રોડ પર આવેલી પીઝા શોપમાં આજે સવારે આગ લાગ્યા બાદ પીઝા શોપની ફાયર સિસ્ટમ જ ચાલુ ન થતા દોડધામ મચી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.ઘટનાના પગલે ઘટનાસ્થળે પહોંચેલા ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર નિકુંજ આઝાદે કહ્યું હતું કે, રેસ્ટોરન્ટને ફાયર સેફ્ટીની પૂર્તતા કરવા માટે ભૂતકાળમાં નોટિસ આપવામાં આવેલી છે પરંતુ, તે પૂર્તતા કરવામાં આવેલી નથી તે અંગે કાર્યવાહી કરાશે. સાથે કહ્યું હતું કે, અમે નોટિસની પૂર્તતા કરવા માટે જાણ કરતા હોઈએ છીએ. જે તે મિલ્કતધારકની જવાબદારી છે કે નોટિસની પૂર્તકા કરે. આપણે નોટિસ સિવાય કંઈ ન કરી શકાય.
સ્થાનિકે કહ્યું હતું કે, પિઝા શોપમાં લાગેલી આગ ઉપરના માળે આવેલી અવનિ વિમેન્સ હોસ્પિટલ સુધી પ્રસરી હતી. એક મહિલાની ડિલિવરી કરવાની હતી ત્યારે જ આગ લાગતા તબીબો દ્વારા તે મહિલાને અન્ય જગ્યાએ શિફ્ટ કરી દીધાં હતાં.ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આગની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સવારનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી છે.