મુંબઈમાં યોજાઈ રહેલી ચૂંટણીમાં બોલિવૂડ સ્ટાર્સે પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઘણા ફિલ્મ સ્ટાર્સ વહેલી સવારે મતદાન મથક પર પહોંચી ગયા હતા. અભિનેતા રાજકુમાર રાવ અને નિર્દેશક કબીર ખાને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. મતદાન કર્યા પછી રાજકુમાર રાવે મહારાષ્ટ્રના લોકોને મતદાન કરવાની અપીલ કરતા કહ્યું કે, “દરેક વ્યક્તિ, કૃપા કરીને બહાર આવો અને મતદાન કરો. આ મતદાનનો દિવસ છે, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
“સોનૂ સૂદે મતદાન કર્યા પછી કહ્યું, “બહાર આવીને મતદાન કરવું એ દરેકની જવાબદારી છે. દેશ માટે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે…”
અભિનેતા જ્હોન અબ્રાહમનો પણ વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ મતદાન કર્યા પછી મુંબઈના એક મતદાન મથકમાંથી બહાર નીકળી રહ્યા છે.
ફિલ્મ નિર્માતા અને અભિનેતા ફરહાન અખ્તર, મુંબઈના બાંદ્રા ખાતેના મતદાન મથક પર પોતાનો મત આપ્યા પછી જોવા મળ્યા, સાથે જ તેમની બહેન ફિલ્મ દિગ્દર્શક ઝોયા અખ્તર પણ મતદાન કર્યા બાદ જોવા મળી.
મુંબઈમાં ઘણા ફિલ્મ સ્ટાર્સ પોતાની મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. અભિનેતા અલી ફઝલે આજે સવારે મતદાન કર્યું.
બોલિવૂડના ખિલાડી અક્ષય કુમાર થોડા સમય પહેલા જ સત્તાવાર રીતે ભારતના નાગરિક બન્યા છે. તેમની પાસે અગાઉ કેનેડાની નાગરિકતા હતી. એવામાં તેમણે મે મહિનામાં લોકસભા ચૂંટણી 2024માં પ્રથમ વખત પોતાનો મત આપ્યો હતો. હવે તેઓ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પણ મતદાન કરવા માટે વહેલી સવારે પહોંચી ગયા હતા.
નિર્દેશક કબીર ખાન પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા. તેણે પણ મુંબઈમાં પોતાનો મત આપ્યો.
અભિનેત્રી ગૌતમી કપૂરે મતદાન કર્યા પછી કહ્યું, “મને બહુ સારું લાગી રહ્યું છે. મને લાગે છે કે મતદાન કરવું અદ્ભુત છે.
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત હિમાચલના મંડીથી સાંસદ છે પરંતુ તેમણે દરેકને મતદાન કરવા માટે પ્રેરિત કર્યા. તેમણે ભાજપના ઉમેદવાર ચૈનસુખ મદનલાલ સાથેનો વીડિયો શેર કર્યો.