Satya Tv News

પંચમહાલના મોરવા હડફ તાલુકાના મોરા ગામે યુવકે પત્નીના ત્રાસથી આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. યુવકે ગોધરા તાલુકાના ટુવા ગામ નજીકના જંગલ વિસ્તારમાં જઈ વૃક્ષની ડાળી ઉપર ગાળિયો કરી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. જો કે, એ પહેલાં યુવકે વીડિયો બનાવી પોતાની આપવીતી જણાવી હતી. મૃતક યુવકે આત્મહત્યા કરતા પહેલાં બનાવેલો વીડિયો પોલીસ સુધી પહોંચતા કાંકણપુર પોલીસે તપાસ શરૂ કરી છે.

મોરા ગામે રહેતા ભરત દલસુખભાઈ બામણિયાના લગ્ન મોરવા હડફના વાલૈયા ગામે થયા હતા. બે વર્ષ પહેલાં પત્નીનું ચરિત્ર સારું નહીં હોવાની જાણ યુવકને થઈ હતી. જે અંગેનું એક રેકોર્ડિંગ પણ તેણે સાંભળ્યું હતું. જે બાદ આ અંગેની જાણ યુવક ભરત બામણિયાએ તેની પત્નીની માતા એટલે કે તેની સાસુને કરી હતી. આમ છતાં તેઓ દ્વારા તેમની દીકરીને કાંઈ જ કહેવામાં આવ્યું ન હતું તેવું યુવકે વીડિયોમાં જણાવ્યું હતું.

યુવક વીડિયોમાં ધ્રુસકે ધ્રુસકે રડીને પત્નીના ચારિત્રની વાત કરી રહ્યો હતો. સાથે તેની માતાની માફી માંગતા તે કહી રહ્યો હતો કે, મેં જાતે લગ્ન કરેલું એટલે જાતે ભોગવું છું. હું ઘરનો નથી રહ્યો કે બહારનો પણ નથી રહ્યો. જેની સાથે લગ્ન કર્યા તે દગાબાજ નીકળી, રૂપિયા લાવી લાવી આપ્યા તો એમાંથી મને પણ આપતી ન હતી. મને લેવા આવજે હું આત્મહત્યા કરું છું તેમ કહી રડતાં રડતાં પોતાની આપવીતી જણાવતો વીડિયો બનાવી યુવકે ગોધરા તાલુકાના ટુવા નજીક આવેલા જંગલ વિસ્તારમાં જઈ એક વૃક્ષની ડાળીએ ગળે ફાંસો ખાઈ લીધો હતો.

યુવકે ગઈકાલે વીડિયો બનાવી આત્મહત્યા કરી હતી. જે બાદ આ વીડિયો વાઇરલ થતાં તેનાં પરિવારજનો સુધી પહોંચ્યો હતો. જેથી પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. આજે તેનો મૃતદેહ ગોધરા તાલુકાના ટુવા નજીકના જંગલ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા યુવકનો મૃતદેહ મળી આવ્યો હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જે બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા યુવાનની ઓળખ થઈ હતી. જે બાદ પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને ગોધરા સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવવા મોકલ્યો હતો. કાકણપુર પોલીસે હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

error: