ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી પ્રથમ ટેસ્ટ રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન જસપ્રીત બુમરાહે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય કેપ્ટને પ્લેઈંગ ઈલેવનને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. તેણે માત્ર બે ખેલાડીઓને ડેબ્યૂ જ નથી આપ્યું, પરંતુ રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને પણ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખ્યા છે. ટીમમાં એકમાત્ર સ્પિનર વોશિંગ્ટન સુંદર છે.ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે મજબૂત પેસ એટેક સાથે ઉતરી રહી છે. આ માટે કેપ્ટન બુમરાહે બે ખેલાડીઓને ડેબ્યૂ આપ્યું છે. ફાસ્ટ બોલર હર્ષિત રાણા પર્થ ટેસ્ટથી પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરશે. ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી પણ પર્થમાં ડેબ્યૂ ટેસ્ટ રમશે. વિરાટ કોહલીએ ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને ડેબ્યૂ કેપ આપી. ઓફ સ્પિનર આર અશ્વિને આ કેપ ફાસ્ટ બોલર હર્ષિત રાણાને આપી હતી.
ભારતીય ટીમમાં વધુ એક મોટો ફેરફાર ધ્રુવ જુરેલના રૂપમાં થયો છે. આ વિકેટકીપર બેટ્સમેનને સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે એન્ટ્રી આપવામાં આવી છે. તેને સરફરાઝ ખાનની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું છે. ભારત A તરફથી રમતા ધ્રુવ જુરેલે ઓસ્ટ્રેલિયા A સામેની બંને ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી. તેને આ પ્રદર્શનનો ફાયદો થયો છે.ઓસ્ટ્રેલિયાએ પણ આ મેચમાં ડેબ્યૂ કરનાર ખેલાડીને મેદાનમાં ઉતાર્યો છે. નાથન મેકવીની ઓપનિંગ કરતા જોવા મળશે. તે ટીમમાં ડેવિડ વોર્નરની જગ્યાએ આ જવાબદારી લેશે. ઓસ્ટ્રેલિયન કેપ્ટને મેચના એક દિવસ પહેલા મેકવીનીને ખાસ સલાહ આપી હતી. તેણે કહ્યું કે, “મેકવીનીએ ડેવિડ વોર્નરની નકલ ન કરવી જોઈએ, પરંતુ તેણે તેના અંદાજમાં રમવું જોઈએ.”