ભાજપ સાંસદ સારંગીનો દાવો છે કે તેઓ રાહુલ ગાંધીના ધક્કાથી ઈજાગ્રસ્ત થયા છે. સારંગીએ કહ્યું કે, ‘હું ઉભો હતો. રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો અને તે સાંસદ મારા પર પડતા હું નીચે પડ્યો હતો’.પ્રતાપ સારંગીના આરોપ પર રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘હા આ કર્યું છે, ઠીક છે… ધક્કા મુક્કીથી કઈ પ્રાપ્ત થવાનું નથી.. હું સંસદની અંદર જવા માંગતો હતો. સંસદમાં જવું એ મારો અધિકાર છે, મને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અમને સંસદમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. ભાજપના સાંસદો ધક્કો મારી રહ્યા હતા.’ નોંધનીય છે કે, ઈન્ડિયા બ્લોક આજે રાજ્યસભામાં બાબા સાહેબ આંબેડકર પર ગૃહ મંત્રી અમિત શાહના નિવેદન સામે વિરોધ કૂચ કરીને તેમના રાજીનામા અને માફીની માંગણી કરી રહ્યું છે. સંસદમાં આંબેડકરની પ્રતિમાથી મકર દ્વાર સુધી આ પદયાત્રા કાઢવામાં આવી રહી છે.
કોંગ્રેસનું કહેવું છે કે ગૃહમંત્રી અમિત શાહે આંબેડકરનું અપમાન કર્યું છે. તેનો ગુનો અક્ષમ્ય છે. સમગ્ર તંત્ર તેમને બચાવવામાં લાગેલું છે. ગૃહમંત્રીએ જે કહ્યું છે તેની વાત કરી રહ્યા છીએ. તેના શબ્દોને ટ્વિસ્ટ કરવામાં આવ્યા નથી. માફી માંગવાને બદલે ધમકીઓ આપી રહ્યા છે. અમે તેમની ધમકીઓથી ડરવાના નથી.