આઈપીએલ 2024માં મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી ખરાબ સીઝન રહી હતી. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને રહી હતી. ટીમ 10માંથી 4 મેચ જીતવામાં સફળ રહી હતી. એવું પણ લાગી રહ્યું છે કે, આઈપીએલ 2025માં પણ ટીમની શરુઆત સારી રહેશે નહિ.13 માર્ચથી શરુ થનાર આઈપીએલ 2025 પહેલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમને એક ઝટકો લાગ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા વગર ટીમ મેદાનમાં ઉતરશે. કારણ કે, હાર્દિક પંડ્યા ઉપર સ્લો-ઓવર રેટના કારણે એક મેચ પર પ્રતિબંધ લાગ્યો છે. જેના કારણે તે આઈપીએલની પહેલી મેચ રમશે નહિ.
નિર્ધારિત સમયમાં ઓવર પૂરી ન કરવા બદલ BCCI હવે કેપ્ટન અને ખેલાડીઓ સામે કડક કાર્યવાહી કરે છે. પહેલી ભૂલ પર કેપ્ટનને 12 લાખ રૂપિયાનો દંડ ભરવો પડે છે.જ્યારે બીજી ભૂલ પર તે વધીને 24 લાખ રૂપિયા થઈ જાય છે. જો ત્રીજી વખત ઓવર રેટનું ઉલ્લંઘન થાય છે તો કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ અને 30 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવે છે. હાર્દિક પંડ્યાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2024માં લીગ મેચમાં લખનૌ સુપર જાયન્ટસ વિરુદ્ધ નિર્ધારિત ઓવર પૂર્ણ કરી નથી. આ કારણે આઈપીએલ 2024માં હાર્દિકની આ ત્રીજી ભૂલ હતી. જેના કારણે તેના પર પ્રતિબંધ લાગ્યો છે.હાર્દિક પંડ્યા પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે ઉપલબ્ધ રહેશે નહીં. આગામી સિઝન માટે મુંબઈએ 16.35 કરોડ રૂપિયા ખર્ચીને હાર્દિક પંડ્યાને રિટેન કર્યો છે.