સોમવારે ગુજરાત સહિત ભારતના ચાર રાજ્યમાં આ વાઇરસના 6 કેસ નોંધાયા હતા. આ વાઇરસના તમામ દર્દી બાળક છે. હવે નાગપુરમાં પણ આ વાઇરસના બે નવા કેસ નોંધાયા છે. HMPVની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાતનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અને રાજ્યની અલગ અલગ હોસ્પિટલમાં જરુરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ સિવિલમાં ખાસ 10 બેડનો વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે. જો કે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ કોઈ નવો વાઇરસ નથી અને તેનાથી ભયભીત થવાની જરૂર નથી. જોકે સુરતના ડોક્ટરોએ સ્પષ્ટતા કરી છે કે એચએમપીવી કોઈ નવી બીમારી નથી. ડોક્ટરોનો દાવો છે કે આ વાઇરસ ભારતમાં વર્ષોથી હાજર છે અને સુરતમા આના ઘણા કેસ પહેલા પણ સામે આવી ચુક્યા છે.
HMPV વાઇરસની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 10 બેડનો ખાસ વોર્ડ તૈયાર કરાયો છે. ઑક્સિજન અને વેન્ટીલેટર સહિતની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂર પડ્યે બેડની સંખ્યા વધારવા માટે પણ સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ બન્યું છે. સિવિલમાં જરુરી દવા પણ ઉપલબ્ધ હોવાનું જણાવવામાં આવ્યું છે.