Satya Tv News

આજના સમયમાં બાળકોના ભણતર અને લગ્નમાં ખૂબ જ ખર્ચો થાય છે. મોંઘવારીના સમયમાં દીકરીનું ભવિષ્ય સુંદર બને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની કેટલીક લાભદાયક યોજના છે જે તમારે અચુક જાણવી જોઈએ.

01
ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે વ્હાલી દીકરી યોજના શરૂ કરી છે, જેને ‘ડિયર ડોટર સ્કીમ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જાણો આ યોજનામાં કેટલી સહાય મળશે. આ યોજના દીકરીઓના જન્મદરમાં વધારો કરવા, શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા તેમજ બાળલગ્ન પ્રથા અટકાવવાના ઉદ્દેશ્યથી અમલી બનાવવામાં આવી છે.

આ યોજના તારીખ 02/08/2019કે ત્યારબાદ જન્મેલ દીકરીને લાભ મળવાપાત્ર રહેશે. દીકરીના જન્મ સમયે માતાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ. દંપતિની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. દંપતીની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે રૂપિયા 2.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.આ યોજના દ્વારા દીકરીને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા 4000ની, નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા 6૦૦૦ની અને 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે રૂપિયા એક લાખની સહાય મળવાપાત્ર છે. આ યોજના વિશેની જાણકારી સત્તાવાર વેબસાઈટ https://wcd.gujarat.gov.in પર જોઈ શકાય છે.

02
સુકન્યા સમૃદ્ધિ યોજના: બેટી બચાવો, બેટી પઢાવો પહેલ હેઠળ શરૂ કરવામાં આવેલી આ યોજનાનો ઉદ્દેશ્ય દીકરીઓના શિક્ષણ અને લગ્નને સમર્થન આપવાનો છે. માતા-પિતા અથવા વાલીઓ તેમની 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીઓ માટે SSY ખાતું ખોલાવીને તેમના ભવિષ્ય માટે બચત કરવાનું શરૂ કરી શકે છે.આ યોજનામાં હાલમાં 8.2 ટકાના વ્યાજ દર ઓફર કરે છે, જે નાની બચત યોજનાઓ માટે સૌથી વધુ છે. આ ઉપરાંત આ યોજનામાં રોકાણ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કર કપાતપાત્ર છે. એસએસવાયમાં લઘુત્તમ વાર્ષિક રૂપિયા 250 અને મહત્તમ રૂપિયા 1.5 લાખનું રોકાણ કરી શકાય છે. આ યોજનામાં નિયમિતપણે રોકાણ કરીને, માતા-પિતા ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન માટે 15 વર્ષમાં રૂપિયા આશરે 25 લાખથી વધુની બચત કરી શકે છે.

03
બાલિકા સમૃદ્ધિ યોજના: આ યોજના દ્વારા સરકાર કન્યાઓને જન્મથી લઈને તેમના શિક્ષણ સુધી આર્થિક સહાય પૂરી પાડે છે.આ યોજનાનો લાભ ગરીબી રેખા નીચે જીવતી એટલે કે BPL પરિવારોમાં જન્મેલી દીકરીઓને આપવામાં આવે છે.આ યોજનામાં સૌ પ્રથમ દીકરીના જન્મ પર પ્રસુતિ પછી માતાને 500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ પછી, ધોરણ 10 સુધી દીકરીના શિક્ષણ માટે સરકાર દ્વારા દરેક તબક્કે થોડાક રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે.બાલિકા સમૃદ્ધિ યોજનામાં ધોરણ 1થી 3 સુધી દર વાર્ષિક 300, ધોરણ 4 માટે 500, ધોરણ 5 માટે 600, ધોરણ 6 અને 7 માટે વાર્ષિક 700, ધોરણ 8 માટે વાર્ષિક 800 તેમજ ધોરણ 9 અને 10 માટે વાર્ષિક 1000 રૂપિયા સહાયતા મળે છે.

04
CBSE ઉડાન યોજના: આજે પણ, એન્જિનિયરિંગ અને ટેકનિકલ ક્ષેત્રોમાં દીકરીઓ કરતાં દીકરાઓની સંખ્યા વધુ છે. સરકારે આ અંતરને દૂર કરવા માટે CBSE ઉડાન યોજના શરૂ કરી છે. જેમાં એન્જિનિયરિંગ અને ટેકનિકલ સંસ્થાઓમાં દીકરીઓના પ્રવેશને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.આ યોજના હેઠળ, હજારો દીકરીઓને એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે મફત સહાય આપવામાં આવે છે. તેમને ઓનલાઈન પોર્ટલ દ્વારા અભ્યાસ સામગ્રી પૂરી પાડવામાં આવે છે જેમાં તેમને વિડિઓઝ દ્વારા પણ અભ્યાસ શીખવવામાં આવે છે. ઉપરાંત, આ યોજના હેઠળ, ભારતભરના 60 કેન્દ્રો પર વર્ચ્યુઅલ વર્ગો યોજવામાં આવે છે. આમાં દીકરીઓને ટેબ્લેટ ખરીદવા માટે આર્થિક સહાય પણ આપવામાં આવે છે. ઉપરાંત, અભ્યાસ દરમિયાન ઉદ્ભવતી કોઈપણ સમસ્યાનું નિરાકરણ થાય છે.

error: