કચ્છના ભીમાસરમાં ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં વળાંક આવ્યો છે. વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધા પાછળ વિવિધ અટકળો અને ચર્ચાઓ થઈ રહી હતી. જોકે, હવે સ્યુસાઈડ નોટ મળ્યા બાદ નવા ખુલાસા થઈ રહ્યા છે. વિદ્યાર્થિનીએ શિક્ષિકા દ્વારા હેરાનગતી કરવામાં આવી રહી હોવાનો ખુલાસો થઈ રહ્યો છે, આ અંગે પોલીસે વધુ તપાસ કરીને મૃતદેહની પણ ફેર તપાસ કરવામાં આવશે, આ મામલે પોલીસે પગલાં ભરીને મુખ્ય શિક્ષકા કમ આચાર્ય સામે ગુનો નોંધ્યો છે. બીજી તરફ પોલીસે દફનાવેલા મૃતદેહને બહાર કાઢીને ફોરેન્સિક ઓટોપ્સી માટે જામનગર મોકલી આપ્યો છે.
પોલીસ દ્વારા શાળાના અન્ય સ્ટાફ તથા પરિવારના નિવેદનો નોંધીને ઘટનાને વધુ સમજવાનો પ્રયાસ કરાશે. વિદ્યાર્થિની સિવાય શાળામાં અન્ય કોઈની સાથે શિક્ષિકા દ્વારા આ પ્રકારનું વર્તન કરવામાં આવતું હતું કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે.બનાવમાં એક નવો વળાંક આવ્યા બાદ આ ઘટનામાં જે લોકો જવાબદાર છે તેમની સામે સખતમાં સખત પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.