પાટીદાર નેતા અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. કથિત વીડિયોમાં હાર્દિક પટેલ પત્તાથી જુગાર રમતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે પાટીદાર નેતાના વીડિયો વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર લોકો ભડક્યા છે. આ વાયરલ વીડિયોમાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ પોતાના સાથીદારો સાથે દેખાઈ રહ્યાં છે. તેઓ જે ટેબલ પર બેસ્યા છે, ત્યાં સફેદ ચાદર પર 500-500 રૂપિયાની નોટો પાથરેલી છે. ટેબલ પર પત્તા પણ પાથરેલા છે. જેને જોઈને લાગી રહ્યું છે કે, હાર્દિક પટેલ સાથીદારો સાથે જુગાર રમવા બેસ્યા હોય. 11 સેકન્ડનો વીડિયો છુપી રીતે કેદ કરાયો છે.
સ્થાનિક આગેવાન પિન્ટુ કોળીએ આ વીડિયો વાયરલ કર્યો છે. વાયરલ વીડિયોમાં હાર્દિક પટેલ જુગાર રમતા જોવા મળે છે. હાર્દિક પટેલની સાથે વિરમગામ ભાજપના યુવા મોર્ચાના આગેવાન પણ જોવા મળે છે.લોકો આ પાટીદાર નેતા પર ફીટકાર વરસાવી રહ્યાં છે. કેટલાક યુઝર્સે લખ્યું કે, આ ધારાસભ્યને હજી તો મંત્રી થવું છે. આવા નેતાને ભાજપે બરતરફ કરવા જોઈએ.