આજે વહેલી સવારે પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્ટાફને લઈને બસ વાઘોડિયા સ્થિત પારૂલ યુનિવર્સિટી ખાતે જઈ રહી હતી. આ દરમિયાન વડોદરા નજીક સયાજીપુરા પાસે બસના ડ્રાઇવર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડની બાજુમાં પલટી ખાઈ ગઈ હતી. આ સમયે બસમાં 40 જેટલા વિદ્યાર્થીઓને સ્ટાફ બેઠેલો હતો. ઘટનાની જાણ થતા બે એમ્બ્યુલન્સ સ્થળ પર દોડી ગઈ હતી અને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને બસમાં બેઠેલા તમામ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.ઘટનાને પગલે અકસ્માતના સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને અને કારણે થોડા સમય માટે હાઇવે પર ટ્રાફિક થઈ ગયો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતા કપૂરાઈ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લોકોને હાઈવે પરથી હટાવ્યા હતા અને અકસ્માતના મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
અકસ્માત સમયે બસમાં 40 જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફ બેઠેલા હતા. અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના થતા ટળી ગઈ હતી. જોકે ઈજાગ્રસ્ત ડ્રાઇવરને એમ્બ્યુલન્સ મારફતે પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.કપુરાઇ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એચ જે પટેલે જણાવ્યું હતું કે, પારુલ યુનિવર્સિટીની બસને અકસ્માત થયો હોવાની માહિતી મળતા અમે ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.