
અંકલેશ્વર જીઆઇડીસીમાં બેઇલ કંપનીની બાજુમાં આવેલી ડમ્પિંગ સાઈટમાં મોટા પ્રમાણમાં ડોમેસ્ટિક વેસ્ટ જમા થયેલો હતો, જેમાં અચાનક આગ લાગતાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂરથી દેખાતા હતા. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર અને પાનોલી ડી.પી.એમ.સી.ના 11 ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર ફાઈટર્સે લગભગ અઢી કલાકની સખત મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.આ ઘટના વધુ ચિંતાજનક એટલા માટે છે કે માત્ર બે દિવસ પહેલાં જ ભરૂચ નગર સેવા સદનની કાસદ ગામ નજીક આવેલી હંગામી ડમ્પિંગ સાઈટમાં પણ આવી જ આગ લાગી હતી. આમ, ભરૂચ જિલ્લામાં માત્ર બે દિવસમાં બે અલગ-અલગ ડમ્પિંગ સાઈટ પર આગ લાગવાની ઘટનાઓ બની છે, જે સ્થાનિક વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય બની છે.