
બોર્ડની પરીક્ષાઓ આજથી શરૂ થઈ છે. ધોરણ 10ની પરીક્ષા સવારે 10:30થી 1:15 દરમિયાન યોજાઈ રહી છે. ધોરણ 12ની પરીક્ષા બપોરે 3:00થી 6:15 સુધી લેવામાં આવશે. ભરૂચ જિલ્લામાં ધોરણ 10ના 22,583 વિદ્યાર્થીઓ 32 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપી રહ્યા છે. આ માટે 84 બિલ્ડીંગો અને 809 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના 8,154 અને વિજ્ઞાન પ્રવાહના 3,048 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ GNFC નર્મદા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓનું ગુલાબ અને ચૉકલેટથી સ્વાગત કર્યું. જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે આર.એસ. દલાલ હાઈસ્કૂલમાં અને એસપી મયુર ચાવડાએ એમિટી સ્કુલમાં વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
પરીક્ષાની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક બ્લોકમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓની સુવિધા માટે આરોગ્ય વિભાગે પ્રાથમિક સારવારની સુવિધા અને દવાઓની વ્યવસ્થા કરી છે. જિલ્લા વહીવટી તંત્રે શાંતિપૂર્ણ અને તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે.