હવામાન અંગેની આગાહી પ્રમાણે સોમવાર સુધી મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો અને પછી આગામી પાંચ દિવસ તાપમાનમાં મોટા ફેરફારોની શક્યતાઓ નથી. શનિવારે હવામાન વિભાગ દ્વારા તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. ગરમી વધવાના જે સંકેત આપવામાં આવ્યા છે તેના કારણે આ વર્ષે તાપમાન રેકોર્ડ તોડશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે શનિવારે 7 દિવસની આગાહી કરી હતી તેમાં ગરમી, ઠંડી કે માવઠા અંગેની કોઈ ચેતવણી આપી નથી. પરંતુ આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરાઇ છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા કરશે. તેના કારણે વાતાવરણમાં પલટો પણ જોવા મળશે. ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 7 માર્ચ પહેલાં ઉત્તર ગુજરાત, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન કંઈક અંશે ઘટેલું રહેશે. 7 માર્ચ બાદ મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ રહેશે. ઉત્તર પૂર્વ ગુજરાતમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેશે. તેઓના વધુ જણાવ્યા મુજબ ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી અથવા આસપાસ રહેવાની શક્યતાઓ રહેશે. એપ્રિલ મહિનામાં પણ વંટોળ અને લૂની શક્યતાઓ રહેશે.