વડોદરા જિલ્લાના વાઘોડિયા લિમડા ગામ ખાતે આવેલી પારુલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા અને અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીમાં થાઇલેન્ડનો વતની સુફાય કાંગવન રૂટ્ટન BCAના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. સાઉથ સુદાણનો રહેવાસી ઓડવા એન્ડ્રુ અબ્બાસ આન્દ્રે વતારી પેટ્રોલિયમ એન્જિનિયરીગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. મોઝેમ્બીયાનો વતની ટાંગે ઇવેનિલ્સન થોમલ પેટ્રોલિયમ એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. જ્યારે UKનો વતની મોહંમદ અલીખલીફ ખલીફ મોહંમદ કાર્ડિયોલોજિસ્ટના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. આ ચારે વિદ્યાર્થીઓ 14 માર્ચના રોજ ધુળેટીની રજા હોવાથી સાંજના સમયે લિમડા ગામના તળાવે ફરવા માટે ગયા હતા. જ્યાં તળાવના કિનારે આવેલા એક ધાર્મિક સ્થળના ઓટલા ઉપર બુટ-ચપ્પલ સાથે બેસી સિગારેટ પી રહ્યાં હતા. દરમિયાન ગામના કેટલાક યુવાનોએ આ ચાર વિદેશી વિદ્યાર્થીને ધાર્મિક સ્થળ ઉપર સિગારેટ ન પીવા માટે જણાવતાં મામલો બિચક્યો હતો.
10 જેટલા યુવાનો ડંડા, બેટ, અણીયાળી લાકડીઓ સાથે ચારે વિદેશી વિદ્યાર્થી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને તેઓ ઉપર પથ્થરોના પણ ઘા કર્યા હતા.આ જીવલેણ હુમલામાં થાઇલેન્ડના વતની સુફાયને ગંભીર ઇજા પહોંચતા સ્થળ ઉપર બેભાન થઇ ગયો હતો. આ ઉપરાંત અન્ય ત્રણને પણ નાની મોટી ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને મોડી રાત્રે પારૂલ સેવાશ્રમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવની જાણ પારૂલ યુનિવર્સિટીના સત્તાધીશોને થતાં દોડધામ મચી ગઇ હતી. તે સાથે વાઘોડિયા પોલીસ મથકના પી.એસ.આઇ. એ.જે. પટેલ પણ સ્ટાફ સાથે હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. વાઇરલ વીડિયોના આધારે 10 હુમલાખોરો પૈકી 2 સગીર મળી 7 હુમલાખોરોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, 2 સગીરને છોડી મૂકવામાં આવ્યા હતા.