ડોનાલ્ડ ટ્રમ્પને જેની સામે વાંધો છે તે ફેન્ટાનિલ બનાવવામાં ઉપયોગમાં લેવાતું કેમિકલ ગુજરાતથી મોકલાઈ રહ્યું છે. સુરત, અંકલેશ્વર અને ભરૂચથી દિલ્હી, મુંબઈ, ગોવા અને પછી દુબઈથી એર કાર્ગો મારફત મેક્સિકો, ગ્વાટેમાલા જેવા લેટિન અમેરિકન દેશો દ્વારા તો ક્યારેક ડાયરેક્ટ ન્યૂયોર્ક સપ્લાય કરે છે. આ આરોપ સુરતની રેક્સટર કેમિકલ્સ અને એથોસ કેમિકલ્સ પર US સરકારે લગાવ્યો છે. જેનો અર્થ એ થાય કે ગુજરાતમાં ખતરનાક લેટિન અમેરિકન કાર્ટેલ્સ જેવી કે સિનાલોઆનો પગપેસારો થઇ રહ્યો અને ગુજરાત મેક્સિકન ડ્રગ્સ માફિયાની જાળમાં ફસાઈ રહ્યું છે.
4 જાન્યુઆરી, 2025ના રોજ ન્યૂયોર્કમાં રેક્સ્ટર કેમિકલના સ્થાપક ભાવેશ લાઠિયાની ધરપકડ થતાં એટીએસ સક્રિય થઈ હતી. એટીએસને તપાસ કરતા ખબર પડી કે, ભાવેશના આ કાંડમાં જહાંગીરપુરામાં ઓફિસ રાખી એસ.આર.કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ અને એથોસ કેમિકલ્સ પ્રા.લિ. તથા અગ્રત કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ્સના મુખ્ય ભાગીદાર સતીશ સુતરિયા અને યુક્તા મોદીની પણ ભૂમિકા હતી.
આ ડ્રગ રેકેટમાં ભાવેશ લાઠિયા, સતીશ સુતરિયા, યુક્તા મોદીની સંડોવણી ખૂલી છે. હાલ ભાવેશ લાઠિયા સામે અમેરિકામાં કેસ ચાલી રહ્યો છે. આ કેસના ડોક્યુમેન્ટ્સ તપાસ્યા હતા. જેમાં ભાવેશ લાઠિયા દ્વારા એપ્રિલ, 2024થી અમેરિકામાં ગેરકાયદે કેમિકલ ઘુસાડવાની શરૂઆતથી લઈ અત્યાર સુધી એટલે કે 18 માર્ચ સુધી શું શું બન્યું, કેવી રીતે આખો કેસ બહાર આવ્યો અને ભાવેશ, સતીશ અને યુક્તાની ત્રિપુટી કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલી છે તેની વિગતો મેળવી હતી.
તપાસમાં બહાર આવ્યું કે આ આરોપીઓના કનેક્શન USA, મેક્સિકો અને ગ્વાટેમાલાના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ સાથે છે. યુક્તાકુમારી મોદીએ તેની સહકર્મી દિશાબેન પટેલને ફોનમાં જણાવ્યું હતું કે, માલને પ્રથમ દુબઇ મોકલી ત્યાંથી નવા લેબલ્સ સાથે ગ્વાટેમાલા મોકલવામાં આવશે. જેથી કોઇને શંકા ન જાય.ભાવેશ લાઠિયા અને સતીશ મામા-ફોઈના ભાઈ છે. ભાવેશ અને સતીશ ભારતથી કેટલુંક ડ્રગ્સ અલગ અલગ દેશોમાં સપ્લાય કરવાનું કામ સાથે કરતા હતા. પિતરાઈ ભાઈઓ દ્વારા કૌભાંડ ચલાવવામાં આવતું હોવાની પ્રબળ શક્યતાઓ છે. સતીશ સુતરિયાની કેમિકલ કંપની સુરત જિલ્લાના માંગરોળ રોડ ઉપર આવેલી છે.