આજે વહેલી સવારથી જ ડભોઇ પંથકના રેલવે સ્ટેશન, વેગા, શિનોર ચાર રસ્તા, શિનોર રોડ, SOU રોડ સહિતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રસ્તે વિઝિબિલિટી ઓછી થઇ જતાં નોકરી-ધંધાર્થે નીકળેલા લોકોને પોતાનાં વાહનોની હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી. તે સાથે વાહનો ધીમે હંકારવાની ફરજ પડી હતી. વાતાવરણમાં આવેલો એકાએક પલટો જોઇ લોકો પણ આશ્ચર્યમા મુકાઇ ગયા હતા. એક તબક્કે ઉનાળામાં વરસાદી માહોલ જેવું વાતાવરણ થઇ ગયું હતું.
વરસાદની આગાહી કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી દિવસોમાં ભારે પવનોનાં તોફાનો અને વિન્ડ ગસ્ટ અને લગભગ ઝડપી પવનો સાથે સાથે વરસાદ. ક્યાંક મેઘગર્જના અને ભારે વિન્ડ ગસ્ટ સાથે સમુદ્ર કિનારે ભારે પવન ફૂંકાવવાની શક્યતા રહેશે. જેમાં લગભગ 28, 29 અને 30 માર્ચમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવનો ફૂકાશે. સામાન્ય પવન 10થી 15 કિમીની ઝડપે, વિન્ડ ગસ્ટ 35 કિમીની ઝડપે અને દરિયાકાંઠા વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે.
આ વખતે દેશમાં અપેક્ષા કરતાં વધુ ગરમી રહેવાની છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આ વર્ષે દેશનાં ઉત્તર-પશ્ચિમ રાજ્યો એટલે કે હરિયાણા, પંજાબ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, દિલ્હીમાં ગરમીના દિવસોની સંખ્યા બમણી થવાની સંભાવના છે.જોકે, હવામાન વિભાગે આ વર્ષે હીટવેવની અસર કેટલા દિવસ રહેશે તેની માહિતી આપી નથી. હવામાનશાસ્ત્રીઓ કહે છે કે જો ગરમીના દિવસોની સંખ્યા બમણી થાય છે, તો 2025 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ હશે. આ દિવસોમાં તાપમાન 5 ડિગ્રી અથવા સામાન્ય કરતાં વધુ રહી શકે છે.