Satya Tv News

આણંદના વેટરિનરી વિભાગ દ્વારા તાજેતરમાં એક રખડતી ગાયના પેટમાંથી 77 કિલો પ્લાસ્ટિકનો વેસ્ટ કાઢવામાં આવ્યો હતો. પોણાબે કલાક સુધી તબીબોએ સફળતાપૂર્વક ઓપરેશન કરીને વેસ્ટને બહાર કાઢી ગાયને બચાવી લીધી હતી. ગાયને માતા માનવામાં આવે છે, પરંતુ ચરોતરમાં છેલ્લા કેટલાય સમયથી ગાયની હાલત દયનીય બની ગઈ છે.

પશુસમૃદ્ધિ માટે જાણીતા ચરોતરમાં આણંદ વેટરિનરી વિભાગને પ્રતિ અઠવાડિયે બેથી ત્રણ ગાય એવી મળે છે, જેના પેટમાં પ્લાસ્ટિક હોય છે. વિભાગ દ્વારા એમનું ઓપરેશન કરવામાં આવે છે અને 15થી 20 કિલો પ્લાસ્ટિક બહાર કાઢવામાં આવે છે. જોકે તાજેતરમાં વિભાગ દ્વારા કરાયેલું ઓપરેશન સૌથી જટિલ હતું અને સૌથી લાંબા સમય સુધી ચાલ્યું હતું, કારણ કે ગાયના પેટમાંથી 77 કિલો પ્લાસ્ટિક બહાર કાઢ્યું હતું.

આ અંગે વિભાગના હેડ ડો. પિનેશભાઈ પરીખે જણાવ્યું હતું કે ગાયનું સરેરાશ વજન 400 કિલો હોય છે અને ગાયમાંથી 77 કિલો પ્લાસ્ટિકનો જથ્થો, જેમાં કોથળીઓ જ નહીં, પણ આઈસક્રીમની વાટકીઓ અને ચમચીઓ પણ મળી આવી હતી. જ્યારે પણ પ્લાસ્ટિકનો જથ્થો પેટમાં જતો હોય એ પછી પશુનો આહાર તદ્દન ઓછો થઈ જતો હોય છે. આ ઉપરાંત અવારનવાર ગેસ થઈ જવો, પાચનક્રિયા મંદ પડી જવી તથા પશુ બીમાર હોય એવો એનો વ્યવહાર થઈ જતો હોય છે. આ સમયે ત્વરતિ સારવાર જરૂરી છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

પાળેલી હોય કે પછી રખડતી ગાય હોય, એના પેટમાં પ્લાસ્ટિકનું પ્રમાણ કેટલું છે એ જો જાણવું હોય તો એના પેટના ડાબા પડખે હાથ મૂકીને દબાવવો જોઈએ. જો પેટના ડાબા પડખે હાથના પંજાનો નિશાન રહી જાય તો સમજવું કે પેટમાં પ્લાસ્ટિક છે. આ સંજોગોમાં એને તરત જ સારવાર અર્થે તબીબો પાસે લઈ જવી જોઈએ.

error: