તામિલનાડુના કુન્નુરના જંગલમાં બુધવારે બપોરે લગભગ 12:20 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. ગાઢ જંગલમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયા પછી એમાં આગ લાગી ગઈ હતી. એમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેમનાં પત્ની મધુલિકા સહિત સેનાના 14 ઓફિસર સવાર હતા. રિપોર્ટ્સ મુજબ, અત્યારસુધીમાં 13 મૃતદેહ મળ્યા છે.
દુર્ઘટના પછી લગભગ એક કલાક બાદ આ જાણકારી આપવામાં આવી કે જનરલ રાવતને વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તેમની હાલત કેવી છે એ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જનરલ બિપિન રાવત ગંભીર રીતે ઘાયલ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ જનરલ રાવતના દિલ્હી સ્થિત ઘરે તેમના પરિવારને મળવા પહોંચ્યા હતા. આ દુર્ઘટના અંગે તેઓ સંસદમાં ગુરુવારે નિવેદન આપશે.
જનરલ બિપિન રાવત દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે. તેમણે 1લી જાન્યુઆરી 2020ના રોજ પદ સંભાળ્યું હતું. રાવત 31 ડિસેમ્બર 2016થી 31 ડિસેમ્બર 2019 સુધી સેના-પ્રમુખપદે રહ્યા હતા.
હજુ જનરલ બિપિન રાવત અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ સેનાનાં સૂત્ર અને કેટલાક પૂર્વ અધિકારીઓએ જનરલ બિપિન રાવતના મોતને લઈને ટ્વીટ કરી દીધું છે. રિટાયર્ડ લેફટનન્ટ જનરલ એચએસ પનાગે જનરલ બિપિન રાવતને ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી છે.
ન્યૂઝ એજન્સી ANI મુજબ, હેલિકોપ્ટર સુલુર એરબેઝથી વેલિંગ્ટન જઈ રહ્યું હતું. હેલિકોપ્ટર બપોરે 12:20 વાગ્યે ક્રેશ થયું, જ્યારે એ લેન્ડિંગ સ્પોટથી માત્ર 10 કિલોમીટર જ દૂર હતું. ઘટનાસ્થળે ડોકટર્સ, સેનાના અધિકારી અને કોબરા કમાન્ડોની ટીમ હાજર છે. જે મૃતદેહ મળી આવ્યા છે એની ઓળખ કરવામાં આવી રહી છે, કેમ કે આ મૃતદેહ 85% બળી ગયા છે. કેટલાક વધુ શબ ખીણમાં જોવા મળ્યા છે. દુર્ઘટનાનાં જે દૃશ્યો સામે આવ્યાં છે એમાં હેલિકોપ્ટર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત જોવા મળી રહ્યું છે અને એમાં આગ લાગી ગઈ હતી.
ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા મુજબ, હેલિકોપ્ટર સુલુર એરબેઝથી વેલિંગ્ટન જઈ રહ્યું હતું. હેલિકોપ્ટર બપોરે 12.20 વાગ્યે ક્રેશ થયું હતું. હેલિકોપ્ટર લેન્ડિંગ સ્પોટથી માત્ર 10 કિલોમીટર દૂર હતું.એમાં 14 ટોચના અધિકારી સવાર હતા. ઘટનાસ્થળે ડોક્ટરોની ટીમ સાથે સેનાના અધિકારીઓ પણ પહોંચી ગયા છે. 2 મૃતદેહ મળ્યા છે, જે 80% સળગી ગયા છે. એની ઓળખ કરાઈ રહી છે. અમુક મૃતદેહો પહાડ પરથી નીચે દેખાઈ રહ્યા છે.
એક મહિનામાં દેશમાં આ બીજીવાર MI-17 હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ પહેલાં 19 નવેમ્બરના રોજ અરુણાચલ પ્રદેશમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ ઘટનામાં એમાં સવાર તમામ 13 લોકોનાં મોત થયાં હતાં.