Satya Tv News

રાજ્યમાં દારૂબંધી વચ્ચે બુટલેગરો બેખોફ અને બેફામ દારૂનો વેપલો કરી રહ્યા છે. હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણી વચ્ચે દારૂની રેલમછેલ અટકાવવા ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભોલાવ ઉદ્યોગનગરમાં દરોડો પાડ્યો હતો. રેડ પાડવા ગયેલી LCB ની ટીમ ઉપર કિમના બુટલેગર દિવ્યેશ હરેશ કાલરીયાએ સિયાઝ કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પોલીસ જવાન દીપકભાઈને ઇજાઓ પોહચી હતી.

LCB એ હુમલાખોર બુટલેગર દિવ્યેશની ધરપકડ કરી બે લકઝરીયસ કાર સિયાઝ અને હ્યુન્ડાઇ એલેન્ટ્રા જેમાં રહેલ દારૂની 1044 બોટલો કિંમત ₹1.09 લાખ સાથે કુલ ₹8.29 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ દારૂના જથ્થામાં ભરૂચના કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કિશોર કાયસ્થ, યોગેશ ઉર્ફે ફકાટ મિસ્ત્રી, મનીષ, ઈમરાનશા ઉર્ફે મરઘી દિવાન, વિરમલ ઉર્ફે વિમલ ગામીત સહિત અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યા છે.

ભરૂચ જિલ્લામાં પણ ગ્રામ પંચાયતોની ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ કરવા બુટલેગરો બેબાકળા, બેફામ અને બેખોફ બન્યા છે ત્યારે દારૂ મંગાવનાર લોકોની પણ ચૂંટણી ટાણે તપાસ થવી જોઈએ. ભરૂચનો કુખ્યાત બુટલેગર નયન કાયસ્થ ઉર્ફે બોબડાને કોનું પીઠબળ અને છત્રછાયા મળી રહી છે જેને લઈ તે મોંઘીદાટ લકઝરીયસ કારોમાં લાખોના દારૂની હેરફેરનો વેપલો બેરોકટોક ચલાવી રહ્યો છે. પોલીસ ઉપર બુટલેગરના હુમલાની ઘટના બાદ આ પણ એક તપાસનો વિષય બન્યો છે. LCB દ્વારા પોલીસ ઉપર હુમલામાં અલગથી ગુનો નોંધાવવામાં આવ્યો છે.

વિડીયો જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સાથે સત્યા ટીવી ભરૂચ

error: