જે મોબાઇલથી વીડિયો લેવાયો તેને લેબમાં મોકલાયો
હેલિકોપ્ટર ક્રેશમાં ટેક્નિકલ ખામી ઉપરાંત કોઈએ તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો કે કેમ તેની તપાસ થશે
તમિલનાડુના કુન્નૂર પાસે સૈન્યનું હેલિકોપ્ટર ક્રેશ થતા દેશના પ્રથમ સીડીએસ જનરલ રાવત સહિત 13 લોકોના મોત નિપજ્યા હતા. આ સમગ્ર ઘટના બની તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. હાલ જે તપાસ ચાલી રહી છે તેમાં આ વીડિયોને પણ સામેલ કરવામાં આવશે અને તેની ફોરેંસિક તપાસ કરવામાં આવશે. જે શખ્સે ઘટનાનો વીડિયો ઉતાર્યો છે તેના મોબાઇલની ચકાસણી કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર આ વીડિયો હેલિકોપ્ટર ક્રેશ થયું તેની થોડી જ સેકંડ પહેલા ઉતારવામાં આવ્યો હતો. મોટા ભાગના વીડિયો ક્રેશ બાદના હતા પણ એક વીડિયો એવો છે કે જે ક્રેશ થયું તે પહેલાનો છે.
આ વીડિયો જે મોબાઇલથી લેવામાં આવ્યો હતો તેને હાલ પોલીસે પોતાના કબજામાં લઇ લીધો છે અને તેની ફોરેંસિક તપાસ પણ થઇ રહી છે. સાથે એ પણ સવાલો ઉઠી રહ્યા છે કે જે હેલિકોપ્ટરમાં જનરલ રાવત જઇ રહ્યા હતા તેને અતી સુરક્ષીત માનવામાં આવે છે. આટલુ સુરક્ષીત હેલિકોપ્ટર ક્રેશ કેમ થઇ ગયું તેને લઇને પણ સવાલો ઉઠી રહ્યા છે.
કેટલાક અહેવાલોનો દાવો છે કે આ હેલિકોપ્ટરમાં ટેક્નીકલ ખામી સર્જાવાની શક્યતાઓ બહુ જ ઓછી છે. હાલ એરફોર્સ દ્વારા કોર્ટ ઓફ ઇંક્વાયરી ચાલી રહી છે જે પૂર્ણ થયા બાદ જ સત્ય બહાર આવશે. ફોરેંસિક તપાસમાં એ પણ ચકાસવામાં આવશે કે કોઇ બહારના કારણથી હેલિકોપ્ટર ક્રેશ થયું કે કેમ.