Satya Tv News

સુરતના કાપોદ્રામાં મોડી રાત્રે માથાભારે દિલીપ ઉર્ફે દીપક રઘુ બારૈયાની લાકડાના ફટકા અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. આ બનાવ સંદર્ભે પોલીસે તપાસ શરૂ કરી છે

આ ઘટનાની જાણવા મળતી પ્રાથમિક વિગતો અનુસાર, માથાભારે પ્રકૃતિ ધરાવતો દિલીપ બુધવારે રાત્રે 10:30ના અરસામાં કાપોદ્રા સ્નેહમુદ્રા સોસાયટી પાસે આવેલા સુરત મહાનગરપાલિકાના પાર્કિંગ પાસે મિત્રો સાથે બેઠો હતો, ત્યારે જ આશરે પાંચેક જેટલા અજાણ્યા શખસે તેની પર લાકડાના ફટકા અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતાં દિલીપ સ્થળ પર જ ફસડાઈ પડ્યો હતો.

બનાવની જાણ થતાં સ્થાનિક યુવાનો દોડી આવ્યા હતા અને દિલીપ દેવીપૂજકને સારવાર માટે કિરણ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે સારવાર મળે એ પહેલાં જ દિલીપ દેવીપૂજકનું મોત થયું હતું. બનાવની જાણ થતાં કાપોદ્રા પીઆઇ સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક મળતી માહિતી અનુસાર, દિલીપ દેવીપૂજક માથાભારે પ્રકૃતિનો હતો, અનેક જમીનોમાં વિવાદ ઊભો કરી સમાધાન કરવા ઉપરાંત ખંડણીના પણ અનેક ગુનાઓ તેની સામે નોંધાયા હતા. જોકે હત્યાનું કારણ કાપોદ્રા પોલીસ તપાસમાં જ બહાર આવશે.

ભાવેશ રઘુભાઈ બારૈયા મૃતક દીપક ઉર્ફે દિલીપનો નાનો ભાઈ એ જણાવ્યું હતું કે દિલીપની કાયમી બેઠક છે. સાંજે પાલિકાના શૌચાલયની સામે પાર્કિંગને લઈ વિવાદ થયો હતો. દિલીપે મધ્યસ્થી બની સમાધાન કરાવ્યું હતું. ત્યાર બાદ દોઢ કલાક પછી રઘુ ભરવાડ અને એની આણી મંડળીએ અચાનક હુમલો કર્યો હતો. દિલીપની સાથે મયૂર, અનિલને પણ માર માર્યો હતો. દિલીપ પર હુમલો થયા બાદ એના બીજા મિત્રો મુકેશ દારૂવાલા, 2-3 પોલીસવાળા ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. મૂળ તળાજા ભાવનગરના રહેવાસી દિલીપ ઉર્ફે દીપકને ચાર ભાઈ, એકની એક બહેન અને માતા-પિતા સાથે રહે છે.

મયૂર અને અનિલ ભાગી જવામાં સફળ રહ્યા હતા. દિલીપ પકડાઈ જતાં તેની પર તલવાર, ચપ્પુ અને ફટકા વડે હુમલો કરી માથા, મોઢા અને છાતીના ભાગે ઘા મરાયા હતા. દિલીપની હત્યા કરાયા બાદ તેના દાગીનામાં 6 વીંટી, 200 ગ્રામની એક ચેન અને બીજી 4 ચેન ગુમ છે, જેનો ફરિયાદમાં કોઈ ઉલ્લેખ નથી કરાયો એ પણ એક સવાલ છે. ઘટનાને નજરે જોનારા પાર્કિગવાળો અને દિલીપના બે મિત્રો સાક્ષી છે. હુમલાનો માસ્ટર માઈન્ડ રઘુ ભરવાડ બુલેટ પર પાછળ અજાણ્યાને બેસાડીને આવ્યો હતો. બીજા છકડા સહિતના વાહનમાં આવ્યા હતા. રઘુને ભાગતા બધાએ જોયો છે અને છકડાનો PCR વાને ફિલ્મી ઢબે પીછો કરી 3 જણાને ઝડપી પાડ્યા છે.

4-5 વર્ષ પહેલાં રચના મરઘા કેન્દ્ર પાસે પોપડાની જમીન પર ગેરકાયદે કબજો કરનાર રઘુનું ઝૂંપડું દીપક ઉર્ફે દિલીપે ખાલી કરાવ્યું હતું. એ દિવસથી બન્ને વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. આજદિન સુધીમાં 4-5 વાર ઝઘડા થઈ ચૂક્યા છે. લગભગ 3 વર્ષ પહેલાં કિમમાં વિક્કી સોનીની હત્યા કેસમાં રઘુનું નામ ખૂલ્યા બાદ રઘુએ દિલીપને વચ્ચે ન પડવા ફોન પર ધમકી પણ આપી હતી. રઘુ સામે કાપોદ્રા અને લસકાણા કામરેજ પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ પણ નોંધાયા છે.

વિડીયો જર્નાસ્લીટ અક્ષય વાઢેર સત્યા ટીવી સુરત

error: