Drugs In Gujarat: રાજ્યમાં ડ્રગ્સની માફીયાખોરી ઓછી થવાનું કે બંધ થવાનું નામ નથી લઇ રહી. આટલા કડડ બંદોબસ્ત બાદ પણ ડ્રગ્સ હજુ પણ ગુજરાત બોર્ડરથી આવી રહ્યું હોય એમ લાગી રહ્યું છે. ફરીથી આજે રાજ્યમાં ડ્રગ્સ ઝડપાયું છે. ATSની ટીમે 400 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હોવાના અહેવાલ આવ્યા છે. ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSનું સંયુક્ત ઓપરેશન હતું. જેને મોટી સફળતા મળી છે.
ડ્રગ્સ સહીત જે બોટ પકડવામાં આવી છે એ પાકિસ્તાનની હોવાનું ખુલ્યું છે. પાકિસ્તાની બોટમાંથી 77 કિલો હેરોઈન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ઈન્ડિયન કોસ્ટગાર્ડની આ માહિતી ANI દ્રારા ટ્વિટ કરીને આપવામાં આવી છે. તો હાલ સમગ્ર કેસમાં હાલ 6 લોકોની ધરપકડ કરીને પૂછપરછ કરાઈ રહી છે
કચ્છના જખૌ દરિયાઈ સીમમાંથી આ ડ્રગ્સ ઝડપાયું છે. 400 કરોડથી વધુના ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાનીને પકડવામાં આવ્યા છે. ડ્રગ્સ માફિયાની ધરપકડ બાદ હવે આગળની તપાસ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઘણી વખત આ વિસ્તારમાંથી કેફી દ્રવ્યો મળી આવ્યા છે. અનેક વાર સામે પારથી દરિયાઈ પાણીમાં તણાઈને કેફી દ્રવ્યો કચ્છની દરિયાઇ સીમાએ આવતા હોય છે.
તમને જણાવી દઈએ કે ગુજરાતના દરિયા કાંઠેથી જાન્યુઆરી 2021માં 30 કિલો, એપ્રિલ 2021માં 30 કિલો, સપ્ટેમ્બર 2021 માં 3,000 કિલોથી વધુ અને નવેમ્બર 2021માં 186 કિલોથી વધુ ડ્રગ્સ મળી આવ્યું છે.