૧૬ જેટલા ખેતરોની શેરડી સળગાવી દેવાતા અસામાજિક તત્વો સામે કાર્યવાહીની માંગ કરી
ગ્રામ પંચાયતની ચુંટણીની અદાવતમાં અસામાજિક તત્વો દ્વારા આગ લગાડાઇના આક્ષેપ
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે શેરડીના ૧૬ જેટલા ખેતરો સળગાવી દઇને ખેડૂતોને લાખો રુપિયા નુકશાન પહોંચાડનાર અસામાજિક તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરવા તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદન પાઠવામાં આવ્યું છે
આ ઘટના બાબતે તે સમયે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ આપવામાં આવી હતી. આ ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તાજેતરમાં યોજાઇ ગયેલ ગ્રામ પંચાયતની ચુંટણીની અદાવત રાખીને કોઇ વિઘ્નસંતોષિ દ્વારા આગ લગાડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ૨૦૦૭ ની સાલથી ૨૦૨૧ સુધી રાણીપુરા ગામે ગ્રામ પંચાયતની ચુંટણી નથી થઇ. અત્યારસુધી ગામમાં બિનહરિફ પંચાયત બનતી હતી. જ્યારે હાલમાં ગામમાં ચુંટણી યોજાઇ હતી. દરમિયાન આજરોજ રાણીપુરા ગામના સરપંચ મીતાબેન સુરેશભાઈ વસાવા તેમજ મનોજભાઇ ઠાકોરભાઇ દેસાઇ સહિતના પંચાયત સદસ્યોએ આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદન આપીને રાણીપુરા ગામે શેરડીના ૧૬ જેટલા ખેતરો સળગાવી દઇને ખેડૂતોને લાખો રુપિયા નુકશાન પહોંચાડનાર અસામાજિક તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી હતી. આવેદનમાં વધુમાં જણાવાયુ હતુ કે અગાઉ પણ રાણીપુરા ગામે સરકારી તેમજ પંચાયતની માલિકીની મિલકત અને સામાનને નુકશાન પહોંચાડવા ઉપરાંત તેની ચોરી થતી હોવાના બનાવો તેમજ ખેતરોમાં પણ ચોરી અને ભેલાણના બનાવો બનતા હતા. હાલમાં ૧૬ ખેતરોના ૭૦ વિઘા જમીનમાં વાવેતર કરેલ શેરડીનો પાક સળગાવી દઇને ખેડૂતોને નુકશાન પહોંચાડવાનું કૃત્ય ચુંટણીની અદાવતે જ કરાયુ હોવાની રજુઆત કરીને આવા અસામાજિક તત્વો પર કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી હતી.
જર્નાસ્લીટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ