Satya Tv News

સંભવત ડ્રીંક એન્ડ ડ્રાઇવનો કિસ્સો, સી ડિવિઝન પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી સિવિલમાં લિકર ટેસ્ટ કરાવ્યો
શીતલ રેસ્ટોરન્ટ પાસે જ રીક્ષા બાદ અન્ય વાહનોને અડફેટે લીધા બાદ જીપ કમ્પાસ કાર પલટી મારી ગઈ હતી
અકસ્માત બાદ બન્ને યુવાનો કારમાંથી બહાર નીકળી ફરાર થઈ ગયા હતા
એક આરોપીના પોલીસ પિતા ગત વર્ષે જ કોરોનામાં મૃત્યુ પામ્યા હતા, તો બીજાની માતા પોલીસમાં હતી

ભરૂચ શહેરના કસક વિસ્તારમાં નિવૃત પોલીસના બે પુત્રોએ લકઝરીયસ કાર બેફામ હંકારી રીક્ષા, કાર અને 4 મોપેડને અડફેટે લઈ શનિવારે રાતે હાહાકાર મચાવ્યો હતો. કાર પલટી ખવડાવી લોકોના જીવ જોખમમાં મુકવાની ઘટનામાં બન્ને યુવાનોની ધરપકડ કરી પોલીસે તેઓ પીધેલા હતા કે નહીં તે માટે લિકર ટેસ્ટ કરાવ્યો છે.

વાસી ઉતરાયણની રાતે કાર નંબર જી. જે. 27. સી. એફ. 0872નો ચાલક ઝાડેશ્વર તરફથી કસક સર્કલ તરફ પુરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પ્રિતમ સોસાયટીના ઢાળ પાસે પ્રથમ રીક્ષા અને કાર સહિત ચાર વાહનોને અડફેટે લીધા બાદ કાર પલ્ટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતને પગલે ભરચક એવા કસક વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. આ અકસ્માતમાં ભોલાવની જગદંબા સોસાયટીમાં રહેતા રીક્ષા ચાલક યોગેશ લીંબચીયા, તેમના પત્ની અમીતાબેનને ગંભીર ઇજાઓ પોહચી હતી. જ્યારે ભાણી વિશ્વાનો બચાવ થયો હતો. આ અકસ્માતમાં 6 જેટલા વાહનોને નુકશાન થયું હતું અકસ્માતને પગલે સી ડિવિઝન પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગની બાજુમાં ખસેડી ટોળા અને ટ્રાફિકને વિખેરીયો હતો.

અકસ્માત સર્જનાર જીપ કમ્પાસ કારમાં સવાર બન્ને નબીરાઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. જેઓ નિવૃત પોલીસ પુત્રો છે. જ્યોતિનગરમાં રહેતો દેવાંગ ચંદ્રકાંત મહેતા કાર માલિક હતો. અને તેનો મિત્ર રચનાનગર 3 માં રહેતો જયસુખ ઉર્ફે જય લાલજી લુહાર કાર ચલાવી રહ્યો હતો. બન્ને એ ડ્રીંક એન્ડ ડ્રાઇવમાં અકસ્માત સર્જ્યો છે કે નહીં તે જાણવા બન્નેના લિકર ટેસ્ટ પોલીસે કરાવ્યા છે. જે બાદ જ આ બન્ને પોલીસ પુત્રો પીધેલી અવસ્થામાં પીરઝડપે કાર હંકારી રહ્યા હતા કે નહીં તે હકીકત બહાર આવશે. એક આરોપીના પિતાનું ગત વર્ષે જ કોરોનામાં મૃત્યુ થયું હતું. જ્યારે બીજા આરોપીની માતા પોલીસમાં હતી. હાલ તેઓ બે ત્રણ ઇકો કાર વરદીમાં ફેરવતા હોવાની વિગતો બહાર આવી રહી છે.

error: