રાજપીપલાની આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલમાં આગની દુર્ઘટના
રાહત બચાવ માટે યોજાયું સફળ મોકડ્રીલ
ભોય તળીયેના ભાગે લાવીને કોઇપણ જાનહાની વિના ખસેડાયા સલામત સ્થળે
જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસન દ્વારા રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલમાં આગની દુર્ઘટના સંદર્ભે ફાયર માટેની મોકડ્રીલ યોજવાના ભાગરૂપે આજે રાત્રે રાજપીપલામાં આર્યુવેદિક કોલેજ ખાતે કાર્યરત જિલ્લાની કોવિડ-૧૯ હોસ્પિટલના બીજા માળે ICU વોર્ડમાં શોર્ટ સર્કિટથી આકસ્મિક ઇલેક્ટ્રિક આગ લાગતા ફરજ પરના તબીબી અધિકારી-સ્ટાફે અને પોલીસ-GRD ના જવાનો-કર્મીઓએ ICU વોર્ડમાં સારવાર હેઠળના તમામ પાંચ દરદીઓને તાત્કાલિક સ્ટ્રેચર થકી હોસ્પિટલના ભોય તળીયેના ભાગે લાવીને તેઓને કોઇપણ જાનહાની વિના સલામત સ્થળે પહોંચાડવા ઉપરાંત અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં સફળતા મળી હતી.
તા.૨૯ મી એ રાત્રે આશરે ૮:૪૭ કલાકના સુમારે સર્જાયેલી આ આગની આ દુર્ઘટનામા કોઇપણ પ્રકારની જાનહાનિ થવા પામી નહોતી. કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતેના ICU વોર્ડમાં સારવાર હેઠળ કુલ-૫ (પાંચ) દરદીઓ હતા. ફરજ પરના ફીઝીશીયન ડૉ.જે.એલ.મેણાતે તમામ દરદીઓની ફરીથી તપાસ કરી હતી. જેમાં ઓક્સિજન સાથેના ૩ દરદીઓ પૈકી ૧ દરદીને વડોદરા SSG હોસ્પિટલ ખાતે તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફત તુરંત મોકલવામાં આવ્યાં હતાં જ્યારે અન્ય ૧ દરદીની ઇચ્છા મુજબ રાજપીપલાની ખાનગી હોસ્પિટલમાં સિફ્ટ કરાયાં હતાં જ્યારે ત્રીજા દરદીને હોસ્પિટલની બાજુની કોલેજ બિલ્ડીંગમાં સિફ્ટ કરાયાં હતાં તદ્ઉપરાંત ઓક્સિજન વિનાના એક ચોથા દરદીને આગના ધુમાડાને કારણે શ્વાસ લેવામાં પડતી તકલીફને લીધે બાજુની કોલેજ બિલ્ડીંગમાં તેમજ અન્ય પાંચમાં દરદીને બાજુની બોય્ઝ હોસ્ટેલમાં સલામત રીતે શિફ્ટ કરવામાં આવ્યાં હતાં. ફરજ પરના ફીઝીશીયને તમામ દરદીઓના સગાસંબંધીઓને આ દુર્ઘટના અંગે ટેલીફોનિક વાત કરીને તેમના સ્વજનોની પરિસ્થિતિથી વાકેફ કર્યા હતાં. આમ, આકસ્મિક રીતે લાગેલી ઇલેક્ટ્રીક આગની દુર્ઘટના અને રાહત બચાવની કામગીરી માટેનું સફળ મોકડ્રીલ-નિદર્શન યોજાયું હતું.
વિડિઓ જર્નાલિસ્ટ દિપક જાગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા