અંકલેશ્વર તાલુકાના પાનોલી ગામના તળાવના માટીના ખોદકામ ની કામગીરી સામે ગ્રામજનોએ ગેરરીતિ ની આશંકા વ્યક્ત કરી છે.
પાનોલી ગ્રામ પંચાયત દ્વારા સુજલામ સુફલામ યોજના અંતર્ગત ગામ તળાવને ઉંડુ કરવા શ્રી કર્ણાવતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીને વર્ષ ૨૦૨૧ મંજૂરી આપવામાં આવી હતી. એક મહિનાની સમયમર્યાદા આપવામાં આવેલી આ મંજૂરી દરમિયાન આ એજન્સીએ જે માટીનુ ખોદકામ કર્યું છે તેની સામે પાનોલી ગ્રામ પંચાયતના હાલના ડેપ્યુટી સરપંચ સંદીપ વસાવા સહિત અન્ય જાગૃત ગ્રામજનોએ પ્રશ્નો ખડા કર્યા છે. તેમ જ મંજૂરી બાદ અને ત્યારબાદ મંજુરીની સમય મર્યાદા વધારવાની કામગીરી વગર આડેધડ રીતે ખોદકામ કરી માટી કાઢવાની કામગીરી કરવામાં આવી રહી હોવાની ફરિયાદો ભૂસ્તર વિભાગ સહિત અન્ય સંબંધિત અધિકારીઓને કરી છે.તેમના જણાવ્યા પ્રમાણે તળાવના ખોદકામને કારણે તળાવમાં પાણી પીવા જતા પશુ-પ્રાણીઓને જાનનું જોખમ ઊભું થઈ શકે છે તેમજ તળાવની નજીકના રહેણાક મકાનોમાં તિરાડ પડી જવાની ઘટનાઓ સામે આવી રહી હોય ગેરકાયદેસર રીતે ચાલતા તળાવના ખોદકામની કામગીરી અટકાવી જોઈએ.આ અંગે ગ્રામ પંચાયતના સત્તાધીશોએ જણાવ્યું હતું કે એજન્સી દ્વારા નવી પરવાનગીની કાર્યવાહી કરવામાં આવી છે અને તે અંતિમ તબક્કામાં છે જોકે હાલ તુરંત પાનોલી ગામ તળાવમાં જે ખોદકામ ચાલી રહ્યું છે તે અંગે અનેક પ્રકારના પ્રશ્નાર્થો ખડા થવા પામ્યા છે.
વિડીયો જર્નલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર