Satya Tv News


સુરત માતાની દવા લઈ પરત ફરી રહેલી મા-દીકરીને અકસ્માત નડ્યો,
મોપેડ પર જતી માતા-પુત્રી પૈકી પુત્રીનું મોત નીપજ્યું
બાઈકચાલક લગ્ન પ્રસંગમાં હાજરી આપીને આવતો હતો


સુરતના રાંદેર કોઝવે બ્રિજ પર મંગળવારે મોડી સાંજે ટેમ્પો, મોપેડ અને બાઈક વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. એમાં બાઈકચાલક લેબર કોન્ટ્રેક્ટરનું સ્થળ પર જ મોત નીપજયું હતું, જ્યારે મોપેડ પર જઈ રહેલી માતા-પુત્રી પૈકી પુત્રીનું ગંભીર ઇજાને કારણે મોત થયું છે. ત્રણ વાહન વચ્ચેના વિચિત્ર અકસ્માતમાં બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. કાળનો કોળિયો બનેલો લેબર કોન્ટ્રેકટર લગ્ન પ્રસંગમાં હાજરી આપી મિત્ર સાથે પરત ફરી રહ્યો હતો.


પોલીસે જણાવ્યું હતું કે કતારગામ ભગવાનનગર સોસાયટીમાં રહેતા 32 વર્ષીય મુકેશભાઈ બોઘાભાઈ બારૈયા લેબર કોન્ટ્રેક્ટર તરીકે કામ કરી પત્ની અને 1 પુત્ર સાથે રહેતા હતા. મુકેશભાઈ મંગળવારે આશરે 9 વાગ્યાના અરસામાં તેના મિત્ર દિનેશને બાઈક પર બેસાડીને રાંદેરમાં કોઈ લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા. મુકેશભાઈ બાઈક મારફત સિંગણપોર સાઈટથી કોઝવે બ્રિજ પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેની બાઈક એક છોટા હાથી ટેમ્પોની પાછળ ચાલી રહી હતી. એ સમયે વચ્ચે છોટા હાથી ટેમ્પોની સામેની સાઈટથી એક્ટિવા મોપેડ પર સવાર માતા રેણુકાબેન-પુત્રી તન્વી પસાર થઈ રહ્યાં હતાં. મોપેડ અને ટેમ્પો વચ્ચે અથડામણ થતાં ટેમ્પાની પાછળ બાઇક પણ અથડાઈ ગઈ હતી.

ત્રણેય વાહનો વચ્ચેના વિચિત્ર અકસ્માતમાં મુકેશભાઈ બારૈયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે મોપેડ પર જઇ રહેલી કતારગામની 43 વર્ષીય માતા રેણુકાબેન જિતેન્દ્રભાઈ સોલંકી અને તેમની પુત્રી 23 વર્ષીય તન્વી જિતેન્દ્રભાઈ સોલંકી અને મુકેશભાઈ બાઈક પાછળ બેસેલા દિનેશ નામના યુવકને ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં રેણુકાબેન સોલંકી અને દિનેશભાઈને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે તન્વી સોલંકીનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. હાલ ઇજા પામેલી તેની માતા રેણુકાબેન સોલંકી અને દિનેશભાઇની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ બનાવને પગલે રાંદેર પોલીસે વધુ તપાસ આદરી છે.

મુકેશના પરિવારજનોએ કહ્યું હતું કે 7 વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા. 5 વર્ષનો દીકરો છે. પત્ની-દીકરા, એક નાના ભાઈને વિધવા માતાની તમામ જવાબદારી મુકેશ પર જ હતી. કાળનો કોળિયો બનતાં જ પરિવાર નિરાધાર બની ગયું છે. સુરતમાં જ નહીં, પણ વતન ભાવનગર પાલિતાણામાં પણ દુઃખદ સમાચાર સાંભળી શોકનો માહોલ છવાઈ ગયો છે. સામાં પક્ષમાં મોતને ભેટેલી દીકરી તન્વી પણ રોહિદાસ સોરઠિયા સમાજની છે. મંગળવાર સમાજના બન્ને યુવક-યુવતી માટે કાળ રૂપી સાબિત થયો છે.

તન્વી (ઉં.વ. 23)નાં પરિવારજનોએ કહ્યું હતું કે માતા રેણુકાબેનની દવા લઈ પરત ફરતી વખતે માતા-દીકરીને અકસ્માત નડ્યો હતો. તન્વીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે માતા રેણુકા બેનનું આજે ખભાનું ઓપરેશન છે. તેમની હાલત પણ ગંભીર છે. તન્વી બીએના છેલ્લા વર્ષમાં હતી. હાલ જ પરીક્ષા પૂરી થઈ હતી. એટલે સિવિલ સર્વિસની તૈયારી કરતી હતી. પરિવારમાં માતા-પિતા અને બે ભાઈની એકની એક બહેન હતી. પિતા બ્રોકરેજના કામકાજ સાથે સંકળાયેલા છે. રેણુકાબેન હાઉસવાઈફ તરીકે કામ કરે છે. લાડકી દીકરી તન્વીના મોતથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.

વિડીયો જર્નાલિસ્ટ અક્ષય વાઢેર સત્યા ટીવી સુરત

error: