યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ તેમજ અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના પરિજનોની નાંદોદ અને દેડીયાપાડાના પ્રાંત અધિકારીએ મુલાકાત લઈ જાત માહિતી મેળવી
“ઓપરેશન ગંગા” અંતર્ગત વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવવા સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાથી અવગત કર્યા
યુક્રેનમાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને કારણે ફસાઈ પડેલા નર્મદા જિલ્લાના છાત્રો તેમજ અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના પરિવારજનોની સાથે યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓની આજે નાંદોદ તાલુકાના પ્રાંત અધિકારી પ્રિતેશભાઇ પટેલ અને દેડીયાપાડાના પ્રાંત અધિકારી આનંદ ઉકાણીએ મુલાકાત લઇ જાત માહિતી મેળવી હતી.
નાંદોદ તાલુકાના પ્રાંત અધિકારી પ્રિતેશભાઇ પટેલે નાંદોદના ગોપાલપુરા ગામના વતની ધ્રૃવરાજસિંહ ગોહિલના પરિવારને તેમના ઘરે જઈને મળ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પરિવારના સભ્યોની મુલાકાત લઇને ખબરઅંતર પૂછ્યા હતા તેમજ સરકારે જાહેર કરેલા હેલ્પલાઇન નંબર પણ આપ્યા હતા અને તેમની સાથે નર્મદા જિલ્લાના અન્ય વિદ્યાર્થીઓ હોય તો જિલ્લા પ્રશાસનને તેની તુરંત જાણ કરવાની સુચના આપી હતી.
આ વેળાએ ગોપાલપુરાના ધ્રૃવરાજસિંહ ગોહિલના પરિવારજનોએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ધ્રૃવરાજસિંહ ગોહિલ સને ૨૦૧૬ થી યુક્રેનના (ચર્નિવિકસી) માં MBBS નો અભ્યાસ કરી રહ્યાં છે. પરંતુ યુક્રેનની પ્રવર્તમાન પરિસ્થિતિને લીધે હાલ રોમાનિયાના બુચારેસ્ટ વિસ્તારની હોસ્ટેલમાં સલામત સ્થળે છે. હાલ પરિવાર સાથે ટેલિફોનીક સંપર્કમાં પણ છે. તેઓનો વારો આવ્યે એકાદ બે દિવસમાં વતન ગોપાલપુરા પરત ફરશે તેમજ જિલ્લા પ્રશાસન દ્વારા પણ અમોને સતત માર્ગદર્શનની મળી રહ્યું હોવાનું જણાવ્યું હતું. તેની સાથોસાથ અભ્યાસ અર્થે યુક્રેન ગયેલ અને. ૨૦ મી માર્ચેના રોજ વતન પરત ફરેલ માંગરોલા દક્ષભાઇ જીતેન્દ્રભાઇ પટેલની પણ મુલાકાત લીધી હતી. દક્ષભાઇ પટેલે મુલાકાત દરમિયાન કહ્યું કે, હું અને મારી બેન દ્રષ્ટી છેલ્લા છ માસથી યુક્રેનના (લવીન) માં MBBS ના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યાં છીએ. અમે તા. ૨૦ મી માર્ચેના રોજ જ અમે અમારા વતન માગરોલમા પાછા ફર્યા હોવાની જાણકારી આપી હતી.
તેવી જ રીતે યુક્રેનથી તા. ૨૫ મી ના રોજ પરત આવેલ દેડીયાપાડાના શ્રી ધ્રૃવેશભાઇ પટેલની પણ મુલાકાત લીધી હતી તેમજ તેમના મિત્રો તેમજ યુક્રેનમાં ફસાયેલા અન્ય લોકોની જો માહિતી મળે તો જિલ્લા પ્રશાસનને જાણ કરવાની સુચના આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ યુક્રેનમાં રહેલા ભારતીયોને વતન પરત લાવવા સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી સતત કેન્દ્ર સરકાર સાથે સંપર્કમાં છે. કેન્દ્ર સરકાર દ્વારા આ માટે ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે. આ માટે ગુજરાત સરકાર પણ પરિવારજનો સાથે છે. પ્રાંત અધિકારીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તેમજ નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા લેવાઈ રહેલા પગલાંની પણ માહિતી આપી હતી.
વિડિઓ જર્નાલિસ્ટ દિપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા