Satya Tv News

સુરતના પાસોદરામાં સ્થાનિક લોકોની હાજરી વચ્ચે સરાજાહેર ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરવાના પ્રકરણમાં કોર્ટમાં ચાલી રહેલી ન્યાયિક કાર્યવાહી દરમિયાન ગમગીન દૃશ્ય સર્જાયું હતું. ગ્રીષ્માની માતા જુબાની દરમિયાન દીકરીને યાદ કરીને રડી પડ્યા હતા. થોડી વાર સતત આંસુ વહેતા રહેતા તેઓ કશું બોલી શક્યા નહોતા. જોકે, મન મક્કમ રાખી તેઓએ અશ્રુધારા વચ્ચે કહ્યુ હતું કે, હું એક ડગલું ચાલી અને દીકરીના ગળા પર ચપ્પુ ફેરવી દીધું હતું., તે તો અમને બધાને જાનથી મારી નાંખવા ઇચ્છતો હતો. સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ સરતપાસ કરી હતી.

ગ્રીષ્માની માતા ઉપરાંત ફેનિલની માસીના દીકરાએ કહ્યું કે, ફેનિલને સતત મોબાઇલ પર વેબ સિરિઝ જોવાની આદત હતી. નોંધનીય છે કે, ફેનિલે હત્યા બાદ માસીના દીકરાને ફોન કરીને કહ્યું હતું કે, તેણે ગ્રીષ્માને મારી નાંખી છે.

ગત રોજ વધુ સાત સાક્ષી ચકાસાતા કુલ સાક્ષી ચકાસણીની સંખ્યા 100 થઈ હતી. હવે આજ (બુધવાર) રોજ પોલીસ અધિકારી ઉપરાંત એફએસએલ, મોબાઇલ કંપનીના મેનેજરની જુબાની લેવામાં આવનાર છે.

થોડા દિવસો પહેલાં કોર્ટમાં ભાઇની જુબાની લેવાઈ હતી. સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા સમક્ષ હત્યા અગાઉનું અને હત્યા બાદનું સમગ્ર ચિત્ર ગ્રીષ્માના નાના ભાઈએ કોર્ટ સમક્ષ રજૂ કર્યું હતું. ઘટનાને શબ્દો વડે તાજી કરતા ભાઇનું દિલ ભરાય ગયું હતું. તેણે કહ્યું કે, આરોપી જ્યારે સોસાયટીના નાકે ઊભો હતો ત્યારે તેને સમજાવવા ગયો તો ચપ્પુ પેટમાં મારવા જતા હું બચી ગયો, પછી તેણે ગ્રીષ્માને પકડી લીધી. અમે બચાવવા પહોંચીએ એ પહેલાં ચપ્પુ ફેરવી દીધું હતું.

ગ્રીષ્માને ભાઈ સહિતના પરિવારજનો બચાવે તે પહેલાં ફેનિલે હત્યા કરી નાખી હતી.

ટ્રાયલ દરમિયાન હત્યા સમયે હાજર ગ્રીષ્માના કાકાની જુબાની લેવામાં આવી હતી. સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ તપાસ કરી હતી જ્યારે આરોપી પક્ષે એડવોકેટ ઝમીર શેખે ઉલટ તપાસ કરી હતી.

એક સાક્ષીએ કોર્ટમાં કહ્યું કે, ફેનિલ અગાઉ કાર ચોરીના કેસમાં પકડાયો હતો. પોલીસે તેની અટકાયત કરી હતી. તેણે કહ્યું કે, ગ્રીષ્માના ઘરવાળા જ્યારે આવ્યા, ત્યારે હું પણ ગયો હતો અને ફેનિલને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. હું ગુસ્સે પણ ભરાયો હતો.

error: