કોરોનાની મહામારી દરમિયાન ઘણી હોસ્પિટલો દ્વારા કરવામાં આવેલી ઉઘાડી લૂંટ બાદ આવકવેરા વિભાગ દ્વારા હોસ્પિટલોમાં સર્ચ તેમજ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ડોક્ટર દર્શન બેન્કરની જૂના પાદરા રોડ, માંજલપુર અને વારસીયા રિંગરોડ ખાતે આવેલી હોસ્પિટલોમાં વહેલી સવારથી આઇટી વિભાગની ત્રણ ટીમો દ્વારા સમાંતર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ડોક્ટર દર્શન બેંકરના વાસના ભાયલી રોડ ખાતે આવેલા નિવાસસ્થાને પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે
મળેલી માહિતી મુજબ શહેરના જૂના પાદરા રોડ ઉપર આવેલી બેંકર્સ અને હોસ્પિટલના સંચાલક ડો. દર્શન બેંકરના નિવાસસ્થાને આવકવેરા વિભાગના 50 જેટલા અધિકારીઓની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. આવકવેરા વિભાગ દ્વારા હોસ્પિટલમાંથી કેટલાક વાંધાજનક દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ડો. દર્શન બેકરના નિવાસસ્થાનેથી પણ આઇટીની ટીમને દસ્તાવેજો હાથ લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન કોર્પોરેશન દ્વારા નક્કી કરેલા ભાવ કરતાં પણ મનસ્વી રીતે કોરોનાના દર્દીઓ પાસેથી લાખો રૂપિયાની વસૂલાત કરનાર શહેરની અનેક હોસ્પિટલો વિવાદમાં આવી હતી. જોકે ડોક્ટર દર્શન બેન્કર્સ વિવાદમાં ત્યારે આવ્યા જ્યારે તેઓએ કરોડો રૂપિયાની બેંક લોન લઈને શરૂ કરેલી અન્ય હોસ્પિટલોની લોન પણ પૂરી કરી હોવાની જે તે સમયે ચર્ચાઓ ચાલી હતી. જે અંગે પણ આઇટી વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ડોક્ટર દર્શન બેન્કર્સની વડોદરામાં ચાર હોસ્પિટલો આવેલી છે તદુપરાંત સુરતમાં પણ તેઓએ હોસ્પિટલ શરૂ કરી હતી. આ હોસ્પિટલો પૈકી જુના પાદરા રોડ સ્થિત બેન્કર્સ હોસ્પિટલ તેમજ તેમના નિવાસસ્થાન અને તેમની સાથે સંકળાયેલા અન્ય ડોક્ટર્સને ત્યાં પણ આજે વહેલી સવારથી 50 જેટલા આવકવેરાના અધિકારીઓની અલગ અલગ ટીમોએ સર્ચ ઓપરેશન કર્યું હતું.
આઈટીના 50 જેટલા કર્મચારીઓ રેડની કાર્યવાહીમાં જોડાયા છે.વડોદરા અને અમદાવાદ ખાતે બેંકર ગ્રુપની ઓફિસ અને હોસ્પિટલ તથા નિવાસ સ્થાને તપાસની કામગીરી આઈટી દ્વારા હાથ ધરાઈ છે. જેમાં લગભગ 50 જેટલા અધિકારીની ટીમ તપાસમાં જોડાઈ હોવાનું સામે આવી રહ્યું છે. વડોદરા અને અમદાવાદના બેંકર ગ્રુપના લગભગ ડઝન કરતાં વધુ સ્થળોએ એક સાથે તપાસ ચાલી રહી છે.કોરોના બાદ જમીન અને સોનાની ખરીદી કરવાના પગલે આ તપાસ થઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સાથે જ વાઘોડિયા રોડની હોસ્પિટલની 18 કરોડ લોન કોરોનામા ભરપાઈ કરી દેવામાં આવી હોવાની પણ ચર્ચા છે. હાલ આઈટી દ્વારા કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક અને નાણાકિય વહિવટના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ થઈ રહી છે.
આ સર્ચ ઓપરેશનમાં આવકવેરાના અધિકારીઓએ બેનામી આવકના પુરાવા, કોમ્પ્યુટર તેમજ ફાઈલો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. જેમાંથી કરોડો રૂપિયાની બેનામી રકમ મળશે તેમ આવકવેરા વિભાગનું માનવું છે. વહેલી સવારે પાંચ વાગ્યાથી શરૂ થયેલી આવકવેરા વિભાગની કાર્યવાહી મોડી રાત સુધી ચાલશે તેમ માનવામાં આવે છે.