કળયુગ ચરમસીમા પર હોય તેમ સગીરાઓ પર જાતીય શોષણના કિસ્સાઓ વધી રહ્યા છે. તેવામાં રાજકોટમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટના ગોંડલમાં 15 વર્ષિય સગીરા માતા બની હોવાનું સામે આવ્યું છે. મધ્યપ્રદેશની સગીરા માતા બનતા ચકચાર મચી જવા પામી છે. દુષ્કર્મનો ભોગ બનેલી તરૂણી ગર્ભવતી હોવાનું સામે આવતા શ્રમિક પરિવારના પગ તળેથી જમીન ખસકી ગઈ હતી.
રાજકોટના ગોંડલમાં 15 વર્ષિય સગીરા પર નરાધમે મધ્યપ્રદેશમાં અવાર નવાર દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દેતા ખળભળાટ મચ્યો છે. સગીરા મધ્યપ્રદેશમાં રહેતી હતી જે બે દિવસ અગાઉ મધ્યપ્રદેશથી ગોંડલ આવી હતી. આ દરમિયાન તેણીની તબિયત બગાડતાં પેટમાં દુખાવાની ફરિયાદ સાથે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબી તપાસ દરમિયાન તરૂણી ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે સનસનાટી મચી જવા પામી હતી.
આ ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસ સમક્ષ જાહેર કરાયેલા નિવેદનમાં સગીરા મધ્યપ્રદેશમાં રહેતી હતી જ્યાં તેણીના પિતાના મોટા ભાઇએ જ હેવાનીયતની હદ વટાવી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. કુકર્મ બાદ પીડિતાને ગર્ભ રહી ગાયો હતો. આ મામલે પોલીસ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપી સુધી પહોંચવા પોલીસે કવાયત આરંભી છે.
અગાઉ ગોંડલમાં સગીરાને 300 મીટર દૂર ઢસડી જઈ ત્રણ શખ્સોએ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું
તાજેતરમાં જ રાજકોટ જિલ્લાના ગોંડલમાં એક સગીરા ત્રણ હેવાનોની વાસનાનો ભોગ બની હોવાનું સામે આવ્યું હતું. ગોંડલના ચોરડી દરવાજા પાસે રહેતો પ્રતીક પિત્રોડા નામનો યુવાન પોતાની સગીર વયની પ્રેમિકા સાથે ઉમરાળા રોડ પર એકાંત માણી રહ્યો હતો. આ સમયે અજય નાથ, દિનેશ નાથ તેમજ મુકેશ નાથ સહિતના ત્રણ શખ્સો મોટર સાઇકલ પર સવાર થઈને નીકળ્યા હતા. આ ત્રણેય શખ્સોએ સગીરા પર નજર બાગાડી યુવકને છરીની અણીએ ગોંધી રાખ્યો હતો અને ત્યાર બાદ સગીરાને 300 મીટર દૂર ઢસડી જઈ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું.આ મામલે પોલીસે સમજાવ્યા બાદ તરૂણીના પરિવારે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. જે બાદમાં પોલીસે તાત્કાલિક અસરથી ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી હતી.