સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 328 મિમી વરસાદ
હાલ ડેમમાં 13,560 ક્યુસેક પાણીની આવક સામે 6443 ક્યુસેક જાવક
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમમાં પ્રવર્તમાન ચોમાસામાં મધ્યપ્રદેશમાં મેઘમહેરથી નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે.
નર્મદા ડેમની જળસપાટી 4 દિવસ પેહલા 114.12 મીટર સુધી પહોંચી ગઈ હતી. ઉપરવાસમાંથી નજીવી આવક સામે મુખ્ય કેનાલમાં સિંચાઈ માટે છોડાતા પાણીને લઈ જાવક વધુ હોય સપાટીમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઇ રહ્યો હતો.જોકે છેલ્લા 2 દિવસથી સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં કેચમેન્ટ વિસ્તાર અને મધ્યપ્રદેશમાં વરસાદ શરૂ થતાં ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં નવા જળની આવક ધીમે ધીમે શરૂ થઈ ગઈ હતી.
વીતેલા 24 કલાકમાં ઉપરવાસ અને મધ્યપ્રદેશમાં 328 મિમી જેટલો વરસાદ નોંધાયો હતો. જેને લઈ નર્મદા ડેમની જળરાશિ બે દિવસમાં વધી હાલ 114.38 મીટરે પોહચી ગઈ છે.સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી હાલ 13,560 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ કેનાલ હેડ પાવર હાઉસના 5 ટર્બાઇનો પૈકી વધતા ઓછા પ્રમાણમાં 3 યુનિટ ચલાવવામાં આવી રહ્યા છે. જે થકી 7 મેગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.
જ્યારે રિવરબેડ પાવર હાઉસના 200 મેગાવોટના તમામ 6 જળવિદ્યુત મથક હાલ બંધ છે. કેનાલ હેડ પાવર હાઉસના 3 ટર્બાઇન 5821 ક્યુસેક પાણીનો ખર્ચ કરી રહ્યાં છે. મુખ્ય કેનાલમાં 5582 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જ્યારે ગોડબોલે ગેટમાંથી 622 ક્યુસેક પાણી ડાઉન સ્ટ્રીમમાં નર્મદા નદીમાં ઠલવાઇ રહ્યું છે.
સરદાર સરોવરમાં પાણીની આવક કરતા જાવક વધુ હોવાથી હવે ડેમના જળસ્તર વધી રહ્યાં છે. સમગ્ર ગુજરાતમાં ચોમાસુ બેસી જવા સાથે મેઘમહેર થઈ રહી હોવાથી સિંચાઈ અને પીવા માટે ડેમના પાણીની જરૂરિયાત વિશેષ રહી નથી.હાલ ડેમમાં ગ્રોસ સ્ટોરેજ 4115.28 મિલિયન ક્યુબીક મીટર છે અને ડેમ 43.50 ટકા ભરેલો છે.