અમરનાથ ગુફાની નજીક વાદળ ફાટવાથી અત્યારસુધી 15 લોકોનાં મોત થયાં છે અને 45 લોકો હજુ પણ ગુમ છે. સેનાએ શનિવારથી રેસ્ક્યૂ-ઓપરેશન શરૂ કરી દીધું છે. 6 લોકોને એરલિફ્ટ કરાયા છે. આ તરફ માઉન્ટ રેસ્ક્યૂ ટીમ ગુમ થયેલા લોકોને શોધી રહી છે.
અમરનાથ યાત્રા માટે જનારા શ્રદ્ધાળુઓની હિંમત યથાવત્ છે. શુક્રવારની રાતે અમરનાથની યાત્રા માટે શ્રદ્ધાળુઓનું એક નવું ગ્રુપ જમ્મુ બેઝ કેમ્પથી કાશ્મીરના બાલતાલ અને પહલગામ બેઝ શિબિર માટે રવાના થયું હતું. શ્રદ્ધાળુઓએ કહ્યું હતું કે અમે પહલગામ તરફ જઈ રહ્યા છીએ, ભગવાન ભોળાનાથ બધાની રક્ષા કરશે. જોકે બાલતાલ અને પહલગામના શ્રદ્ધાળુઓને રોકી દેવાયા છે.
વાદળ ફાટવાની ઘટના પવિત્ર ગુફાથી એક-બે કિલોમીટરના વિસ્તારમાં બની છે, અમરનાથ ગુફા પાસે શુક્રવાર સાંજે 5.30 વાગ્યે વાદળું ફાટ્યું હતું. આ સમયે ગુફા પાસે 10થી 15 હજાર શ્રદ્ધાળુઓ હાજર હતા. ઘટનામાં મરનારમાં ત્રણ મહિલા પણ છે. ITBPએ જણાવ્યું હતું કે 15 હજાર લોકોને પવિત્ર ગુફા પાસે સુરક્ષિત પંચતરણીમાં લઈ જવાયા છે.
વાદળ ફાટવાને કારણે પર્વત પરથી આવતા પાણીના વહેણમાં શ્રદ્ધાળુઓ માટે લગાવાયેલા 25 ટેન્ટ અને બેથી ત્રણ લંગર તણાયાં હતાં. વરસાદને કારણે આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું અને અનેક લોકો ફસાયા હતા. ઘણા શ્રદ્ધાળુઓ લાપતા છે, જેઓ આ પ્રવાહમાં તણાઈ ગયા હોવાની આશંકા છે.
અમરનાથ શ્રાઈન બોર્ડ, જમ્મુ-કાશ્મીર પોલીસ તથા NDRF દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે
0194 2313149
0194 2496240
9596779039
9797796217
01936243233
01936243018