દુબઈ, એશિયા કપ, ભારત, પાકિસ્તાન આ ચાર શબ્દ તમને કંઈ યાદ અપાવે છે? રવિવાર રાતે પાકિસ્તાનને ભારતે 5 વિકેટે હરાવ્યું હતું. હવે તમને 4 વર્ષ પાછળ લઈ જઈએ છીએ. સપ્ટેમ્બર મહિનો હતો અને વર્ષ હતું 2018. આ મેદાન પર પાકિસ્તાન સામે એશિયા કપની જ મેચમાં ઈજાગ્રસ્ત હાર્દિક સ્ટ્રેચર પર મેદાન બહાર જઈ રહ્યો હતો.

આ દરમિયાન ચર્ચા વહેતી થઈ હતી કે હવે હાર્દિકની કારકિર્દી સમાપ્ત થઈ જશે, કારણ કે તે કદાચ જ પરત ફરી શકશે. ભારતથી લઈ લંડન સુધી ઓપરેશનનો સમય હતો. એ સમયે આજના કપિલ દેવ તરીકે ઓળખાતા ખેલાડીનું ભવિષ્ય અંધકારમય બની ગયું હતું.
પાકિસ્તાન સામે 194ની સ્ટ્રાઈક રેટથી હાર્દિકે રન બનાવ્યા હતા. અમુક લોકો એવા હોય છે, જે મુશ્કેલ સમયમાં તૂટી જાય છે અને અમુક લોકો સંઘર્ષ કરીને સફળતા મેળવે છે. હાર્દિકે તો જાણે મનમાં મક્કમ કરી લીધું હતું કે લોકો ભલે માને કે બધું પૂરું થઈ ગયું છે, પરંતુ આ મેદાન પર ધમાકેદાર પ્રદર્શન કરી પરત ફરવું છે. પાકિસ્તાનની આ મેચમાં આવું જ જોવા મળ્યું.

હાર્દિક પંડ્યાએ પહેલા તેની બોલિંગથી શ્રેષ્ઠ પ્રદર્શન કરી 4 ઓવરમાં 25 રન આપી પાકિસ્તાનના ત્રણ બેટ્સમેનને આઉટ કર્યા હતા. તેણે મોહમ્મદ રિઝવાન, ઈફ્તિખાર અહમદ અને ખુશદિલને આઉટ કર્યા હતા.

બેટિંગમાં પણ હાર્દિકે મેચ વિનિંગ ભૂમિકા ભજવી હતી. તેણે 17 બોલમાં 33 રન બનાવ્યા હતા. ભારતે ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી હતી. પાકિસ્તાન 147માં ઓલ આઉટ થઈ ગયું હતું. જવાબમાં ભારતે અંતિમ ઓવરમાં બે બોલ બાકી હતા ત્યારે 5 વિકેટના નુકસાને 148 રન બનાવી લીધા હતા. હાર્દિક પંડ્યા પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. જાડેજાએ પણ 29 બોલમાં 35 રન બનાવ્યા હતા.