આવતા મહિને ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-૨૦ વર્લ્ડકપની ભારતની પ્રથમ મેચ જોગાનુજોગ પાકિસ્તાન સામે જ છે જે ૨૩ ઓક્ટોબરે એટલે કે દિવાળીના આગલા દિવસે મેલબોર્નમાં રમાનાર છે.
વર્લ્ડકપનું સૌથી મોટું આકર્ષણ આ મેચ જ છે કેમ કે ઓસ્ટ્રેલિયામાં તો મોટી સંખ્યામાં એશિયનોની વસ્તી છે જ પણ કેટલીક પસંદગીની મેચ જોવા માટે વિશ્વભરના ચાહકો ઓસ્ટ્રેલિયા આવવાના છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ અને હજુ પણ ખૂબ માંગ હોઈ આયોજકોએ પ્રક્ષકો ઊભા રહીને પણ મેચ જોઈ શકે તેવી વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું છે. એક સ્ટેન્ડ તો ઊભા થઈને જોઈ શકાય તે માટેનું બુકિંગમાં ઓપન કર્યું હતું તે પણ ભરચક થઈ જતા વધુ સ્ટેન્ડ બનાવાઈ રહ્યા છે. એક અંદાજ પ્રમાણે એક લાખ ૧૦ હજારથી વધુ ચાહકો મેચ જોવા આવશે તેમ મનાય છે.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના જણાવ્યા પ્રમાણે વર્લ્ડ કપની તમામ મેચોની મળીને અત્યાર સુધી પાંચ લાખથી વધુ ટિકિટો વેચાઈ ગઈ છે. હજુ એક મહિના જેટલો સમય બાકી હોઈ રેકોર્ડ વેચાણ થશે તેમ લાગે છે. ભારત, પાકિસ્તાન ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ વ્ચચે પણ પરંપરાગત હરિફાઈ છે અને ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે રમે છે. ન્યુઝીલેન્ડ પણ અંતરની રીતે નજીક હોઈ ત્યાંના ચાહકો મહત્તમ મેચ માણવા આવશે. ભારત અને પાકિસ્તાન મેચ બ્રોડકાસ્ટિંગની રીતે પણ રેકોર્ડ દર્શકો અને જાહેરખબરની આવક મેળવશે.