Satya Tv News

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરુ થતાની સાથે જ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. શહેર તેમજ જિલ્લામાં આ ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે પુરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટ શહેરમાં 13 અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 22 મળી કુલ 35 જેટલી ચેકપોસ્ટો શરુ કરવામાં આવનાર હોવાનું જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું. તેમજ કલેક્ટર સહિત પોલીસ કમિશ્નરે પણ મતદાન મથકોની સ્થળ મુલાકાત કરી હતી.

કલેક્ટરનાં જણાવ્યા મુજબ, આ ચેકપોસ્ટો ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થયા બાદ શરુ કરાશે. ચૂંટણી દરમિયાન મતદારોને રીઝવવા માટે રોકડ અને દારુની હેરફેર થતી હોવાની ફરિયાદો અવારનવાર ઉઠતી રહે છે ત્યારે આ વખતે આવી ઘટનાઓ ન ઘટે તે માટે વિધાનસભાની ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થતાની સાથે જ રાજકોટ શહેર અને જિલ્લામાં આ 35 જેટલી ચેકપોસ્ટો કાર્યરત કરવામાં આવનાર છે.

આ ચેકપોસ્ટ પર ફરજ બજાવનાર સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટાફ માટે આજથી ટ્રેનીંગ (તાલીમ) વર્ગ પણ શરુ કરવામાં આવશે. ઉપરાંત શહેર-જિલ્લામાં જે મતદાન બૂથો સંવેદનશીલની યાદીમાં મુકાયા છે તેની તપાસણી પણ જિલ્લા કલેક્ટર તેમજ પોલીસ તંત્ર દ્વારા શરુ કરી દેવામાં આવી છે. વિધાનસભા ચૂંટણીમાં 22,000 જેટલા કર્મચારીઓની જરુર પડશે. જો કે આ વખતે સ્ટાફની થોડી ખેંચાખેંચી છે. છતાં ચૂંટણી કામગીરી માટે 18,800 કર્મચારીઓને તૈનાત કરી દેવામાં આવી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હજુ 4000 કર્મચારીની યાદી તૈયાર થઇ રહી છે. તેની સાથોસાથ ચૂંટણી માટે વાહનો, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ અંગે ડેટાબેઝ તૈયાર કરવામાં આવેલ છે. ચૂંટણીની સુચારુ વ્યવસ્થા માટે એસએમએસ મોનીટરીંગ પણ શરુ કરાશે. ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગત ચૂંટણી કરતાં આ વખતે મતદાનનો રેશિયો વધે તે માટે વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 70 ટકા મતદાનનો લક્ષ્યાંક રાખવામાં આવી રહયો છે. દિવ્યાંગો અને યુવાનો વધુને વધુ મતદાન કરે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહયા છે. આ માટે શાળા-કોલેજો-યુનિવર્સિટીઓમાં મતદાન જાગૃતિના કાર્યક્રમો પણ આગામી સમયમાં આયોજીત કરવામાં આવશે.

error: