રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર ખોખડદડ નદીના પુલ પાસે રાત્રીના અગિયારેક વાગ્યે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં માંડા ડુંગર પાસે રહેતાં એક કોળી યુવાનનું મોત નિપજ્યું હતું અને શાપર રહેતાં બે બિહારી યુવાન તથા કોઠારીયા ચોકડીએ રહેતાં આહિર યુવાન મળી ત્રણને ઇજા થઇ હતી. શાપરના બે બિહારી યુવાન રાજકોટ નાઇટ શિફટમાં મજૂરીએ આવી રહ્યા હતાં ત્યારે તેન બાઇકને છોટા હાથીની ટક્કર લાગતાં બંને ફંગોળાઇ ગયા હતાં. આ બંનેની મદદ કરવા બે યુવાન ત્યાં પહોંચ્યા. અને એક યુવાન 108ને ફોન કરવા જતો હતો ત્યાં જ એક કારને પાછળથી ટ્રકે ઠોકર મારતાં આ કાર બેકાબૂ બની ગોથુ ખાઇને અકસ્માતગ્રસ્ત પરપ્રાંતીય યુવકોની મદદે ઉભેલા બન્ને યુવાન સાથે અથડાઈ હતી અને તેમાં 108ને ફોન કરનાર યુવાનનું મોત નીપજ્યું હતું.
શાપર રહેતાં મુળ બિહારના રણવીર સૈજનારાયણ ગીરી (ઉ.વ.45) અને કુંદનભાઇ રામનાથભાઇ ગીરી (ઉ.વ.32) પોતાના હોન્ડા પર બેસી શાપરથી રાજકોટ આજી વસાહત ખોડિયારપરામાં કારખાનામાં નાઇટ શિફટમાં મજૂરીએ આવી રહ્યા હતાં ત્યારે ખોખડદડના પુલ પાસે છોટા હાથીની ઠોકરે બાઇક ચડી જતાં બંને ફંગોળાઇ ગયા હતાં. અકસ્માત સર્જાતા છોટાહાથી લઇને ચાલક નાસી ગયો હતો. રોડ પર ફંગોળાયેલા બંને પરપ્રાંતીય યુવકોની મદદ કરવા માંડા ડુંગર પાસે ગોકુલ પાર્ક-3 માં રહેતો જયસુખ ભુપતભાઇ માલકીયા (ઉ.વ.25) ઉભો રહ્યો હતો અને 108ને ફોન કરી રહ્યો હતો. એ વખતે કોઠારીયા ચોકડી ખોડિયાર ટેકરી પાસે રહેતો વિજય નાગજીભાઇ કોઠીવાળ (ઉ.વ.37) નામનો યુવાન પણ મદદ કરવા ઉભો રહ્યો હતો.
એ દરમિયાન અચાનક એક ટ્રકે પાછળથી ટીઆગો કાર GJ-03-ME-6875 ને ઠોકરે ચડાવતાં કાર બેકાબૂ બની ગઇ હતી અને ગોથુ ખાઇ અકસ્માતગ્રસ્ત પરપ્રાંતીય યુવકોની મદદ કરવા ઉભેલા જયસુખ અને વિજય સાથે અથડાઈ હતી જેમાં બંનેને ઇજાઓ થઇ હતી. કારમાં પણ ભારે નુકસાન થયું હતું.
આ ત્રિપલ અકસ્માતમાં ઘાયલ થયેલા ચારેય યુવકોને 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન જયસુખનું મોત નિપજતાં પરિવારજનોમાં અરેરટી વ્યાપી ગઇ હતી. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ સ્ટેશનના PSI એ.સી.સિંધવ સહિતના સ્ટાફે પહોંચી કાર્યવાહી કરી હતી. આ બનાવમાં પોલીસે મૃત્યુ પામનાર જયસુખ માલકીયાના પિતા ભુપતભાઇ માલકીયાની ફરિયાદ નોંધી હતી.
મૃત્યુ પામનાર જયસુખ બે ભાઇમાં નાનો હતો. તેના પત્નિનું નામ લત્તાબેન છે. જયસુખને સવા વર્ષનો પુત્ર છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવી છે. પોતે પિતા, ભાઇ સથે કારખાનું ચલાવતો હતો. યુવાન દિકરાના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. ઘાયલ પૈકીના રણવીર ગીરી અને વિજય કોઠીવાળે રાતે જ રજા લીધી હતી. કુંદન ગીરી સારવાર હેઠળ છે. અકસ્માતને પગલે રાતે ટ્રાફિક જામ દ્રશ્યો પણ સર્જાયા હતા.