સમગ્ર રાજ્યમાં આત્મહત્યાના બનાવોમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજકોટમાં એક દુઃખદ ઘટના બની છે. પ્રેમમાં એક ન થતાં પ્રેમીએ જેલમાં અને તરૂણીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. જેને લઇ બંનેના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા લોહાનગરની તરુણીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે મળતી માહિતી અનુસાર, લોહાનગરમાં રહેતા રણજિતભાઈ ઉઘરેજિયાની 15 વર્ષની દીકરી પ્રાચીને તેની પાડોશમાં રહેતા દીપક ચારોલિયા સાથે પ્રેમ થઈ ગયો હતો.
ગત 2 જુલાઈના રોજ બંને ઘરેથી ભાગી જતાં તરુણીના પિતાએ એ ડિવિઝિન પોલીસ સ્ટેશનમાં દીપક ચારોલિયા સામે ફરિયાદ નોંધાવી હતી. પ્રાચી તરુણ વયની હોવાથી પોલીસે તરુણીના પિતાની ફરિયાદ પરથી અરહરણ અને પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. જે બાદ પોલીસે 5 ઓગસ્ટના રોજ દીપકની ધરપકડ કરી હતી અને તેને જેલના સળિયાની પાછળ ધકેલી દીધો હતો.
જેલમાં રહેલા દીપકે ગત 20 સપ્ટેમ્બરના રોજ જેલમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. દીપકના આપઘાત બાદ તરુણી પ્રાચી ગુમસુમ રહેતી હતી. જે બાદ ગતરોજ પ્રાચી નિત્યક્રમ મુજબ પાણી ભરવા ગઈ હતી, ઘણો સમય વિતવા છતાં તે ઘરે પરત ન આવતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન રણજિતભાઈના બીજા મકાનમાં પ્રાચીનો લટકતો દેહ જોવા મળ્યો હતો, જે બાદ પરિવારજનો તેને નીચે ઉતારી તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડ્યા હતા. હોસ્પિટલ ખાતે ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કરતા ઉધરેજિયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ એ. ડિવિઝન પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.