Satya Tv News

ભરૂચમાં બુટલેગરે ભૂગર્ભમાં બિછાવી પાઇપલાઇન પણ પોલીસ સામે ઇનોવેશન ફેઈલ
અંકલેશ્વરમાં બંધ બોડીના કન્ટેનરના ચોરખાના અને માંડવામાં જમીનમાં સંતાડેલો રૂ.7.50 લાખનો દારૂ જપ્ત
અંકલેશ્વર શહેર પોલીસે માંડવા ગામના રોડ ફળિયાના બુટલેગરના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો
નવો કીમિયો અજમાવી જમીનમાં પાઇપલાઇન લગાવી માટલાઓમાં સંતાડેલ 45 હજારથી વધુનો દારૂ ઝડપી પાડ્યો
ટ્રકમાં બનાવેલ ચોર ખાનામાંથી 7 લાખથી વધુનો દારૂ મળી 11.08 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

બુટલેગરો પણ હાઈટેક થઈ પોલીસ પકડથી પોતે અને દારૂને બચાવવા હવે અલગ અલગ ઇનોવેશન કિમીયા અજમાવતા થઈ ગયા છે. પણ પોલીસ સામે તેઓના આ નવા ટુક્કાઓ ફેઈલ સાબિત થઈ રહ્યા છે. અંકલેશ્વરના માંડવા ગામે રોડ ફળિયામાં રહેતો કુખ્યાત બુટલેગરે જમીનમાં પાઇપલાઇન લગાવી નવો કીમિયો અજમાવી સંતાડેલ 45 હજારથી વધુનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો.

અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન માંડવા ગામના સ્થાનિકોએ ગામના રોડ ફળિયામાં રહેતો કુખ્યાત બુટલેગર પ્રકાશ મગન વસાવાએ તેના ઘર પાસે જમીનમાં પાઇપલાઇન બિછાવી અને માટલામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.

બાતમી વાળી જગ્યાએ આવી તપાસ કરતા પોલીસ કાફલો પણ ચોકી ઉઠ્યો હતો બુટલેગરે એવો કીમિયો અજમાવ્યો હતો કે તેણે જમીનમાં બીછાવેલ પાઈપલાઈન અને ખાડાઓમાં માટલામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો હતો. પોલીસે પાવડા વડે ખોદકામ કરતા પાઈપલાઈન અને ખાડોમાં રહેલ માટલામાંથી વિદેશી દારૂની 459 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે ૪૫ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કુખ્યાત બુટલેગર પ્રકાશ મગન વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે અંકલેશ્વર જી.આઈ.સી.ડી.પોલીસે વાલિયા રોડ ઉપર માતંગી પેટ્રોલ પંપ પાસેથી બંધ બોડીના ટ્રકમાં બનાવેલ ચોર ખાનામાંથી વિદેશી દારૂનો લાખોનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર માતંગી પેટ્રોલ પંપ પાસે મહારાષ્ટ્ર તરફથી આવતા બંધ બોડીના ટ્રકમાં બનાવેલ ચોર ખાનામાંથી 7 લાખથી વધુના દારૂ મળી 11.09 લાખનો મુદ્દામાલ સાથે ટ્રક ચાલક સહીત બે ઇસમોને ઝડપી પાડ્યા હતા જયારે દારૂ મોકલનાર વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

વાલિયા તરફથી બંધ બોડીનો ટ્રક નંબર-એમ.એચ.04.એફ.યુ. 8701 માં વિદેશી દારૂનો જથ્થો અંકલેશ્વર બાજુ આવી રહ્યો છે જેવી બાતમીના આધારે જી.આઈ.ડી.સી.પોલીસે અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર માતંગી પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા જુના ખાલી કેરેટ નજરે પડ્યા હતા.

પોલીસે બારીકાઇથી તપાસ કરતા ટ્રકના છત પાસે બનાવેલ ચોર ખાનું મળી આવ્યું હતું જેમાં જોતા તેમાંથી વિદેશી દારૂની 4884 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 7 લાખનો દારૂ અને ચાર લાખની ટ્રક મળી કુલ 11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મહારાષ્ટ્રના થાણેના પેન્કરપાડા ખાતે રહેતો ટ્રક ચાલક દીપકસિંગ ચન્દ્રસિંગ શોન અને કરણ સંજય યાદવને ઝડપી પાડ્યો હતો. જયારે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર રાજા નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

error: