Satya Tv News

દેદિયાપાડામાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુજીના હસ્તે ઇ-ખાતમુહૂર્ત
GMERS મેડીકલ કોલેજ અને હોસ્પિટલનું ખાતમુહૂર્ત
હોસ્પિટલનું રૂ.૫૩૦ કરોડના ખર્ચે નિર્માણ

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુજીના હસ્તે રાજપીપલામાં દેદિયાપાડાની GMERS મેડીકલ કોલેજ અને હોસ્પિટલનું ઇ-ખાતમુહૂર્ત કર્યું.

ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીની ઉપસ્થિતિમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે અંદાજે રૂ.૧૩૩૦ કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીના વરદ હસ્તે નર્મદા જીલ્લાના રાજપીપલાની GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજપીપલા ખાતે નવી GMERS મેડિકલ કોલેજને મંજૂરી મળતા નવિન કોલેજ અને હોસ્પિટલ રૂ.૫૩૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર છે. GMERS મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ એ સમગ્ર વિસ્તારમાં સૌથી મોટી આરોગ્યપ્રદાન સુવિધા બનશે.આ પ્રોજેક્ટ અંતર્ગત કોલેજ, હોસ્પિટલ અને હોસ્ટેલનું નવું બાંધકામ હાથ ધરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજપીપલા ખાતે નવી GMERS મેડીકલ કોલેજને મંજુરી મળતા ચાલુ વર્ષથી કુલ-૧૦૦ વિદ્યાર્થીઓને MBBS અભ્યાસક્રમમાં પ્રવેશ આપવામાં આવશે.આ ઉપરાંત સંપૂર્ણ વ્યવસ્થા સાથે હોસ્ટેલ તથા સ્ટાફ ક્વાટર્સ નિર્માણ પામશે.રાજપીપલામાં મેડીકલ કોલેજ અને નર્મદા જિલ્લાના અંતરિયાળ અને પર્વતીય વિસ્તારોમાં વસતા લોકોને મલ્ટી–સ્પેશિયાલિટી હોસ્પિટલને કારણે પોતાના જ જિલ્લામાં ઉચ્ચકક્ષાની આરોગ્ય તેમજ તબીબી સેવાઓ ઉપલબ્ધ થશે.જેથી અગાઉ સારવાર માટે દૂરના જિલ્લાઓમાં જવા-આવવાની સમસ્યામાંથી છુટકારો મળશે.સદર હોસ્પિટલ ખાતે કુલ-૫૪૦ પથારીની વ્યવસ્થા હશે તેમજ તમામ પ્રકારની જનરલ OPD,મેડીસીન,સર્જરી,પ્રસૂતિ અને સ્ત્રી-રોગ,બાળકોના રોગ,હાડકાંના રોગો,આંખના રોગ,કાન-નાક-ગળાના રોગ,માનસિક રોગ,ચામડીના રોગ,દાંતના રોગ,કસરત વિભાગ,બ્લડ બેન્ક,લેબોરેટરી,એક્સ-રે,સોનોગ્રાફી,ડિસ્પેન્સરી,રસીકરણ તેમજ ડાયાલીસીસ જેવા વિભાગ સંપૂર્ણ રીતે કાર્યરત થશે,જેમાં દાખલ દરદીઓની સેવાઓ,તમામ પ્રકારના ઓપરેશનની સેવાઓ અને તમામ પ્રકારની ઇમરજન્સી સેવાઓ પણ પુરી પાડવામાં આવશે.

વિડિઓ જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા

error: